મુરૈના, મઘ્યપ્રદેશના જિલ્લા મુરૈનાની દિકરી નંદિની અગ્રવાલે સમગ્ર વિશ્ર્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. વર્ષ ૨૦૨૧માં થયેલી CA ની પરીક્ષામાં નંદિનીએ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેણે વિશ્ર્વની સૌથી નાની ઉંમરની મહિલા CA તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. તે ૧૯ વર્ષ અને ૩૩૦ દિવસની ઉંમરે CA બની ગઈ હતી.
નંદિની હાલ મુંબઈમાં સિંગાપોર સરકારની કંપનીમાં નોકરી કરે છે. તે બાળપણથી ખુબ જ તેજસ્વી હતી. જે ઉંમરમાં બાળકોને યુકેજી અને એલકેજીમાં હાથ પકડીને લખતા શીખડાવવામાં આવે છે તે ઉંમરમાં નંદિની હિન્દી અને અંગ્રેજી વાંચવા અને લખવા પણ લાગી હતી. આ જોઇને સ્કૂલ મેનેજમેન્ટે તેને એલકેજીથી બીજા ધોરણમાં પ્રમોટ કરી હતી અને તે પોતાના મોટા ભાઈ સચિન સાથે ભણવા લાગી હતી. બંને ભાઈ-બહેને સીએ સુધી સાથે અભ્યાસ કર્યો હતો.
વર્ષ ૨૦૨૧માં યોજાયેલી સીએ ફાઈનલની પરીક્ષામાં નંદિનીને ૮૦૦માંથી ૬૧૪ માર્ક્સ મળ્યા હતા અને તેણે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નંદિનીએ સીએ બન્યા બાદ બે આંતરરાષ્ટ્રીય પરીક્ષા આપી હતી. જેમાં તે પહેલા એસીસીએની આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં દેશમાં પ્રથમ અને વિશ્ર્વમાં ૭મા નંબરે આવી હતી. આ પરીક્ષામાં ૧૮૦ દેશોના સીએ સામેલ થયા હતા. ત્રણ મહિના પહેલા નંદિનીએ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટીમાંથી યંગેસ્ટ CA વિથ ઓલ ઇન્ડિયા રેન્ક વન વિષયમાં પાસ કરી હતી.