દાહોદ,દાહોદ જીલ્લામાં પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએ પ્રોહી રેડ કરી કુલ રૂા. 2,10,018ના પ્રોહી જથ્થા સાથે એકની અટકાયત કરી એક ઓટો રીક્ષા કબજે કર્યાનું જ્યારે અન્ય ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
પ્રોહીબીશનનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના ડભવા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.01 સપ્ટેમ્બરના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે ડભવા ગામે પટેલ ફળિયામાં રહેતાં પીન્ટુભાઈ ગણપતભાઈ બારીઆ અને જુવાનસીંગ ચંન્દ્રાભાઈ બારીઆના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં ઉપરોક્ત બંન્ને ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે તેઓના મકાનની તલાસી લેતાં મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 384 જેની કુલ કિંમત રૂા. 42,240 નો પ્રોહી જથ્થો કબજે કર્યો હતો. આ વિદેશી દારૂકરસનભાઈ લક્ષ્મણભાઈ રાઠવા (રહે. મધ્યપ્રદેશ) પાસેથી લાવ્યાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સંબંધે ધાનપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીબીશનનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ડભગાવ ગામે ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.01 સપ્ટેમ્બરના રોજ ડભવા ગામે સુથાર ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ શકરાભાઈ સુથારના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસને ચકમો આપી પ્રતાપભાઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 906 જેની કુલ કિંમત રૂા. 1,15,518 નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કર્યો હતો. આ સંબંધે સાગટાળા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીબીશનનો ત્રીજો બનાવ ગરબાડા તાલુકાના નીમચ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.01 સપ્ટેમ્બરના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે નીમચ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઓટો રીક્ષા પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ઓટો રીક્ષા નજીક આવતાંની સાથે પોલીસે તેના ચારે તરફથી ઘેરી લઈ ઓટો રીક્ષાના ચાલક વિનોદભાઈ સુરેશભાઈ સાંસી (રહે. દાહોદ, ગોધરા રોડ, સ્ટીફન સ્કુલની પાછળ, તા.જી.દાહોદ) ની અટકાયત કરી ઓટો રીક્ષાની પોલીસે તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. 382 જેની કિંમત રૂા. 52,260ના પ્રોહી જથ્થા સાથે ઓટો રીક્ષાની કિંમત મળી પોલીસે કુલ રૂા. 97,260નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઓટો રીક્ષાના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.