ભારતમાં સૌથી વધારે જોવાયેલી ફિલ્મોમાં ગદર ત્રીજા નંબર પર છે

મુંબઇ, ગત સપ્તાહમાં આપણે ગદર ફિલ્મ વિશે વાત કરી રહ્યાં હતા. આ ફિલ્મે રિલીઝ થઈ તે સમયે અનેક રેકોર્ડ બ્રેક કરી નાખ્યા હતા. ખુદ સન્ની દેઓલે પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમને ગદર આટલી સફળ થશે એવી કલ્પના નહોતી. મેં ગદર સાઇન કરી એ સમયે ઘણાં લોકોએ અનિલ શર્માની પસંદગી પર સવાલો ઉઠાવ્યા હતા. ખેર, સન્નીની વાત સાચી છે, ગદરે ઘણાં રેકોર્ડ તોડ્યા હતા.

ભારતમાં સિનેમાની શરૂઆત થઇ ત્યારથી લઇને અત્યાર સુધીમાં સૌથી વધારે જોવાયેલી ફિલ્મોમાં આ ફિલ્મ ત્રીજા ક્રમાંકે બિરાજે છે. જોકે અહીં સવાલ એવો થાય કે પહેલા બે ક્રમાંકે કઈ ફિલ્મ હોઈ શકે? જવાબમાં મુઘલ-એ-આઝમ કે શોલેનું નામ મોઢા પર આવે, પણ આ બંને જવાબ ખોટા છે. આ બંનેમાંથી એકેય ફિલ્મ પહેલા કે બીજા ક્રમાંકે નથી. ભારતમાં સૌથી વધારે જોવાયેલી ફિલ્મોમાં પહેલા ક્રમાંકે હમ આપકે હૈ કૌન છે અને બીજા ક્રમાંકે બાહુબલિ છે, જ્યારે ત્રીજા નંબર પર ગદર આવે છે.

ડિરેક્ટર અનિલ શર્માએ કહ્યું હતું કે આ ફિલ્મ માટે અમિષા કે સન્ની બેમાંથી એકેય મારી પહેલી પસંદ નહોતાં. તેઓનાં નામ દૂર દૂર સુધી મારા મગજમાં નહોતાં. મૂળ અનિલ શર્માને ગોવિંદા સાથે ગદર બનાવવી હતી. તેમણે ગોવિંદાને ફિલ્મની વાર્તા સંભળાવવાનું પણ નક્કી કરી લીધું હતું, પણ તેઓ વાર્તા સંભળાવે એ પહેલાં જ ગોવિંદાની મહારાજા ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. મહારાજા મોટા બજેટથી બનેલી ફિલ્મ હતી તેમ છતાં તે નિષ્ફળ ગઈ એટલે ગોવિંદાને આ ફિલ્મમાં લેવાના નિર્ણયને તેમણે માંડી વાળ્યો. જોકે ગોવિંદાની ફિલ્મ નિષ્ફળ ગઇ પણ સન્નીનો સમય તો ઓલરેડી સમાપ્ત થવામાં હતો તો પછી કેમ સન્નીની પસંદગી થઈ? આ વાતના જવાબમાં અનિલ કહે છે કે મને અમરીશ પૂરીએ ફિલ્મની વાર્તા સાંભળીને સન્નીને લેવાનું સજેશન આપ્યું હતું. અમરીશજીએ મને જણાવ્યું કે ફિલ્મમાં તારા સિંઘનો જે પ્રકારનો રોલ છે તે મારી પાસે નૅરેટ કર્યો છે એ સાંભળતા જો મારા મનમાં પહેલું કોઈનું નામ આવતું હોય તો તે સન્ની દેઓલ છે. એ એકદમ સહજતાથી આ રોલ નીભાવી શકશે.

અમરીશજીનું સજેશન મને મનમાં વસી ગયું અને મેં સન્નીને સાઇન કરવાનું મન બનાવી લીધું. સામે પક્ષે સન્નીને પણ વાર્તા ઘણી પસંદ આવી તો તેણે એક પળનોય વિચાર કર્યાં વગર હા કહી દીધી.

સન્નીને સાઇન કર્યાં બાદ તેની સામે કઈ હિરોઇનને લેવી તે સવાલ હતો. મને જૂહી અથવા કાજોલને સાઇન કરવાની ઇચ્છા હતી. જૂહી એ સમયે કામ કરવા તૈયાર નહોતી, પણ કાજોલને મેં વાર્તા સંભળાવી હતી. તેને વાર્તા તો ગમી પણ તેની પાસે તારીખોની સમસ્યા હતી. મારે જે તારીખ જોઈતી હતી તે કાજોલ બીજા કમિટમેન્ટના કારણે આપી શકે એમ નહોતી, તેથી તેણે ના કહી. ડિરેક્ટર અનિલ શર્મા કહે છે કે ગદર રિલીઝ થવાનું હતું ત્યારે અને એ પછી એવી અફવા બહુ ઊડી હતી કે અમે આ ફિલ્મની હિરોઇન માટે આશરે ૫૦૦ એક્ટ્રેસનાં ઑડિશન લીધાં હતાં. આ વાત સાવ ખોટી હતી. અમે ૫૦૦ છોકરીઓનાં ઑડિશન ક્યારેય નહોતાં લીધાં. હા, કાજોલે ના પાડ્યા બાદ અમુક ઑડિશન લેવાયાં હતાં. એ ઑડિશનમાંથી અમને અમિષા પટેલનું ઑડિશન સારું લાગ્યું હતું. તે બબલી પણ લાગતી હતી, માસૂમ લાગતી હતી અને તેને જોઇને કોઈને પણ પ્રેમ થઈ જાય એવું હતું. અમિષાનું ઑડિશન ગમ્યા બાદ તેને ફિલ્મ ઓફર કરવામાં આવી, તેણે પણ સન્નીની માફક સહેજેય વાર લગાવ્યા વગર હા કહી દીધી હતી.