
મુંબઈ, સ્થાનિક શેરબજારની શરૂઆત સ્ટોક માર્કેટ આજે તેજી સાથે થઈ હતી, પરંતુ બંધ થવાના સમયે તે ઘટીને બંધ આવ્યું હતું. આજે ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં ઘટાડા પર બંધ થવાને કારણે શેરબજારમાં બંધના ધોરણે નિરાશા જોવા મળી હતી. અદાણી ગ્રૂપ પરના અહેવાલ બાદ અદાણીના તમામ શેરો ઘટ્યા હતા, જેની અસર બજાર પર પણ જોવા મળી હતી.
જોકે માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ એક્સપાયરી પ્રેશર હતું. આજે બેન્ક નિફ્ટી સ્ટોક માર્કેટ પણ ઘટાડા પર બંધ થઈ છે અને પીએસયુ બેંકો સતત ત્રીજા દિવસે નબળાઈ સાથે લાલ નિશાનમાં બંધ થઈ છે અને આ સપ્તાહે પીએસયુ બેન્ક ઈન્ડેક્સ ૧.૩ ટકા ઘટીને બંધ થયો છે. આજે બંધ થવાના સમયે સેન્સેક્સ ૨૫૫.૮૪ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા ઘટીને ૬૪,૮૩૧.૪૧ની સપાટીએ અને નિફ્ટી ૯૩.૬૫ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકા ઘટીને ૧૯,૨૫૩.૮૦ના સ્તરે બંધ હતો.
નિફ્ટી ૧૯૩૮૮ સુધી ઊંચા સ્તરે ગયો હતો, પરંતુ ૧૯૩૦૦ની નીચે આવતાની સાથે જ ઘટાડો વધુ ઊંડો થયો હતો, બંધ થવાના સમયે નિફ્ટી લગભગ ૧૦૦ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થવામાં સફળ રહ્યો હતો. બજાર બંધ થવાના સમયે નિફ્ટી ના ૫૦માંથી માત્ર ૧૬ શેરો જ તેજી સાથે બંધ થયા છે અને ૩૫ શેરોમાં ઘટાડા સાથે વેપાર બંધ થયો છે.
આજે સેન્સેક્સના ૩૦માંથી માત્ર ૯ શેરો મજબૂતાઈ સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીના ૨૧ શેર લાલ નિશાનમાં હતા. મારુતિનો શેર આજે ટોપ ગેનર હતો અને ૨.૨૨ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. ટાઇટન ૧.૦૯ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૨ ટકા અને ટાટા સ્ટીલ ૦.૭૮ ટકા સુધર્યા હતા આઇસીઆઇસીઆઇ બેન્ક ૦.૪૨ ટકા જીય ફાઇનાન્સ સર્વિસ , ૦.૪૧ ટકા,એચસીએલ ૦.૪૧ ટકા વધ્યા હતા. વિપ્રોનો શેર ૦.૨૯ ટકાના વધારા સાથે બંધ થયો હતો.