- આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના ૧૮ ગામોની ૩,૭૦૫ એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે.
મહેસાણા, ઊંઝા: સીએમ ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજન બધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે, ઊંઝા ખાતે રૂપિયા આઠ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઇ પટેલ ટાઊનહોલનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. આરોગ્યમંત્રીશ્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતુ કે ૬૯ કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી યોજનાથી મા નર્મદાનું અવતરણ અહીંની ધરતી પર થયું છે.
તેમણે ઉમેર્યું હતું કે રૂ. ૬૭.૬૯ કરોડના ખર્ચે નિર્મિત નહેર આધારિત બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાથી ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા વિસનગર તાલુકા અને પાટણ તાલુકાના ખેડૂતોને સિંચાઈ સહિતની સગવડો પૂરી પડશે.
જળ સંપત્તિના ચેરમેન અને ખાસ સચિવ કે.બી.રાબડીયાએ આ યોજનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદીના પૂરના વધારાના વહી જતા પાણીમાંથી એક મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતના મુખ્ય મોટા જળાશયો-નદીઓ અને નહેરોમાં નાંખી સિંચાઇ,જળ સંચય અને ભૂગર્ભ જળ રીચાર્જીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત નર્મદા મુખ્ય નહેર આધારિત સુજલામ સુફલામ યોજનાની અલગ અલગ કૂલ છ ઉદવહન સિંચાઈપાઈપલાઈન યોજનાઓ દ્વારા ઉત્તર ગુજરાતના પાણીથી વંચિત વિસ્તારોમાં જળસંચય અને ભૂગર્ભ જળ રિચાર્જને લગતી મુખ્ય કામગીરી ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા કરાઇ રહી છે.
આ યોજના અંતર્ગત બીજા તબક્કામાં આ હયાત પાઈપલાઈનને માતપુરથી આગળ લંબાવીને માતપુર તળાવ પાસે પંપીંગ સ્ટેશન બનાવીને ઉંઝા તાલુકાનાં બ્રાહ્મણવાડા ગામ સુધી કુલ ૧૪.૭૦ કિ.મી લંબાઈની ૧,૨૧૬ મીમી વ્યાસની એમ.એસ પાઈપલાઈન દ્વારા ધરોઈ એક્ષ્ટેન્ડેડ બ્રાંચ કેનાલ નંબર ચાર અને પાંચમાં ૫૦ ક્યુસેક્સ પાણી નાખી ઊંઝા, પાટણ અને વિસગનર તાલુકાનાં ધરોઈ કમાન્ડ વિસ્તારના ૩,૭૦૫ એકર જમીનમાં પૂરક સિંચાઈ માટેની કામગીરી પૂર્ણ કરાઇ છે. રૂપિયા ૬૭.૬૯ કરોડના ખર્ચે નિર્મિત આ યોજના ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સિંચાઇની મહત્વની યોજના બની રહી છે. આ યોજનામાં કુલ ૧૧.૭૦ કિ.મીની ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નેટવર્ક દ્વારા નવ જેટલા ગામોના તળાવોમાં પાણી ભરીને પુરક સિંચાઈ ની સુવિધા ઉભી થશે અને ભૂગર્ભ જળ રીચાર્જ થશે. માતપુર ખાતેના પંપિગ સ્ટેશન દ્વારા ૫૦ કયુસેક્સ પાણી ૧,૨૧૬ મીમી વ્યાસ ની ૧૪.૭૦ કી.મી. ની એમ.એસ.પાઈપલાઈન મારફતે ૫૭ મીટર ઊંચાઈ સુધી ઉદ્દવહન કરવામાં આવશે.