રક્ષાબંધનના દિવસે જ ઝારખંડના રાંચીમાં કાળજું કંપાવતી એક ઘટના બની છે. આ ઘટનામાં સાવ નજીવી વાતે બે પત્ની અને એક પતિની અત્યંત ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. મૃતકોમાં એક પતિ અને તેની બે પત્નીઓ સામેલ છે. ગુરુવારે સવારે 11 વાગ્યે ત્રણેયની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. જમીન અને પશુઓના ચરિયાણના પાકને લઈને થયેલા વિવાદને લઈને આ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જનેશ્વર બેડિયા, તેની પત્ની સરિતા દેવી અને બીજી પત્ની સંજુ દેવીની હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
મોતનો ભોગ બનનાર જનેશ્વરનું ભૂંડ (સુઅર) તેના પડોશી પરિવારના ખેતરમાં ઊભો મોલ ખાઈ ગયું હતું. આ મામલે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી.
થોડા સમય વીતી ગયા બાદ બંને પરિવાર શાંત થઈ ગયા હતા. પરંતુ ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ જનેશ્વર પોતાની બે પત્નીઓ સાથે ખેતરમાં કામ કરતો હતો, તે દરમિયાન બાજુવાળો યુવાન ત્યાં આવ્યો હતો અને તેમની વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાયેલા આરોપીએ લાકડા કાપવાની કુહાડી વડે ત્રણેને મારીને ફરાર થઈ ગયો હતો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ડુક્કર ચરવાને લઈને છેલ્લા એક સપ્તાહથી બંને પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે ગામમાં પંચાયત પણ રાખવામાં આવી હતી, પરંતુ આ અંગે પોલીસને કોઇએ જાણ કરી ન હતી. ગુરૂવારે સવારે 11 વાગે જનેશ્વરના ઘરે અચાનક જ ચીસાચીસ મચી ગઇ હતી. જ્યારે ગામલોકો ઘટના સ્થળે પહોંચ્યા, ત્યારે તેઓએ જોયું કે જનેશ્વર અને તેની બે પત્નીઓ જમીન પર લોહીના ખાબોચિયામાં પડેલી છે. ત્રણેયની એટલી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી કે તેમના ઘણા અંગો કાપી નાખવામાં આવ્યા હતા.
રાંચીના ડીઆઈજી અનુપ બિરાથ્રેએ જણાવ્યું કે, એક નાના વિવાદના કારણે ત્રણ લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હત્યામાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે, તેમની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાવચેતીના પગલા રૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.