અરવિંદર સિંહ લવલીને દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી મળી

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીના થોડા મહિના પહેલા કોંગ્રેસે ગુરુવારે દિલ્હીમાં પોતાના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો અને પૂર્વ મંત્રી અરવિંદર સિંહ લવલીને રાજ્ય એકમના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ૫૪ વર્ષીય લવલીને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

લવલીએ ચૌધરી અનિલ કુમારનું સ્થાન લીધું છે. અનિલ કુમારે માર્ચ ૨૦૨૦માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી. ડિસેમ્બર ૨૦૨૨ માં યોજાયેલી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં, કોંગ્રેસને ૨૫૦ સભ્યોની કોર્પોરેશનમાં માત્ર નવ બેઠકો મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટી ૧૩૪ બેઠકો સાથે પ્રથમ અને ભારતીય જનતા પાર્ટી ૧૦૪ બેઠકો સાથે બીજા સ્થાને હતી.

કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના આ નિરાશાજનક પ્રદર્શનથી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી અનિલ કુમારના સ્થાને અન્ય નેતાની નિમણૂકની અટકળો વહેતી થઈ હતી. પાર્ટી નેતૃત્વએ તાજેતરમાં દીપક બાબરિયાને દિલ્હીના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. શીલા દીક્ષિતની સરકારમાં મંત્રી તરીકે ઘણા મહત્વના વિભાગોની જવાબદારી સંભાળનાર લવલી અગાઉ ડિસેમ્બર ૨૦૧૩થી ફેબ્રુઆરી ૨૦૧૫ સુધી દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

કોંગ્રેસ નેતૃત્વએ એવા સમયે લવલીને દિલ્હી પ્રદેશની કમાન સોંપી છે જ્યારે પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. દિલ્હીમાં યોજાયેલી છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. પ્રમુખ તરીકે લવલી સામે સૌથી મોટો પડકાર દિલ્હીમાં કોંગ્રેસનો ખોવાયેલો આધાર પાછો મેળવવાનો રહેશે. આ સાથે તેમની સામે બીજો પડકાર લોક્સભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે તાલમેલનો વ્યાપ જાળવી રાખવાનો રહેશે. લવલી ૧૯૯૮ થી ૨૦૧૩ સુધી પૂર્વ દિલ્હીના ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા. તેઓ ૨૦૦૩ થી ૨૦૧૩ સુધી શીલા દીક્ષિતની સરકારમાં મંત્રી હતા. તેમણે શિક્ષણ, વાહનવ્યવહાર, શહેરી વિકાસ અને મહેસૂલ જેવા ઘણા મહત્વપૂર્ણ વિભાગોનો હવાલો સંભાળ્યો.