મુંબઇ. બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઇટથી દૂર રાખે છે. જો કે મીડિયા રિપોર્ટ્સમાં તેની લવ લાઇફને લઇને ઘણા પ્રકારના ક્યાસ લગાવવામાં આવી ચુક્યા છે. અફવા ઉડી હતી કે જ્હાન્વી કપૂર શિખર પહેરિયાને (Shikhar Pahariya) ડેટ કરી રહી છે અને બંને અવારનવાર એકબીજા સાથે જોવા મળે છે.
હાલમાં જ બંને સાથે જોડાયેલી ચોંકાવનારી અફવા ફેલાઇ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે, જ્હાન્વી કપૂર અને શિખરે છુપાઇને સગાઇ કરી લીધી છે. આવી વાતો આ બંનેનો એક વીડિયો જોયા બાદ લોકો કરી રહ્યાં છે, જે તિરુપતિ મંદિરનો છે.
ખરેખર, હાલમાં જ જ્હાન્વી તિરુપતિ મંદિરના દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહેરિયા પણ જોવા મળ્યો હતો. જ્હાન્વી કપૂર પર્પલ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી અને શિખર સફેદ કલરની વેષ્ટિમાં જોવા મળ્યો હતો. મંદિરમાંથી બહાર આવતી વખતે જ્હાન્વી અને શિખરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં લોકોને જ્હાન્વીના હાથમાં ડાયમંડ રિંગ જોવા મળી રહી છે. આ જ કારણે ઘણા યુઝર્સે વીડિયો પર કમેન્ટ કરતાં જ્હાન્વીની સીક્રેટ સગાઇની વાતો કરવાનું શરૂ કરી દીધું છે.
જો કે, આ દાવામાં કેટલી હકીકત છે તેની પુષ્ટિ કરવામાં નથી આવી. એક રિપોર્ટ અનુસાર, જ્હાન્વીના એક નજીકના સોર્સે તેની સગાઇના સમાચારોને બકવાસ ગણાવ્યા છે. જ્હાન્વી ઘણીવાર તિરુપતિ મંદિરમાં બાલાજીના આશીર્વાદ લેવા જાય છે. તેની મા શ્રીદેવી પણ બાલાજીની મોટી ભક્ત હતી. જ્હાન્વી કપૂરના રિલેશનની વાત કરીએ તો તેનું નામ શિખર સાથે ઘણા સમયથી જોડવામાં આવી રહ્યું છે પરંતુ બંનેએ આ અફવાઓ પર કોઇ રિએક્શન આપ્યું નથી.
જ્હાન્વી કપૂરના કરિયરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન નિતેશ તિવારીએ કર્યું હતું, જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ જ્હાવી કપૂર ટૂંક સમયમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી ક્રિકેટ રમતી જોવા મળશે. આ સિવાય તે જુનિયર એનટીઆર સાથે તેલુગુ ફિલ્મ દેવરા અને હિન્દી ફિલ્મ ‘ઉલજ’માં પણ જોવા મળશે.