ગુજરાતના દરિયા કિનારે એન્ટી ડ્રગ્સ ઓપરેશનની સફળ કામગીરી બદલ સુનિલ જોશી કોસ્ટગાર્ડ ડીજીના હસ્તે સન્માનિત

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ સાથે વિવિધ એજન્સીઓને મળતા ઈનપુટના આધારે ગુજરાતના દરિયા કિનારે ઉતરતા અને વિવિધ વિસ્તારોમાં ઠલવાતા ડ્રગ્સ નેટવર્કનો મોટાપાયા પર પર્દાફાશ થયો છે. ગુજરાતની વિવિધ સિક્યુરિટી એજન્સીઓ સાથે એટીએસ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ દ્વારા પોતાના ખાસ નેટવર્કનો ઉપયોગ કરીને ડ્રગ્સના કાળા કારોબારની ઘણા અંશે કમર તોડી નાખવામાં આવી છે.

ભારતીય કોસ્ટગાર્ડ સાથે મળીને એટીએસ દ્વારા ચલાવાયેલા ઓપરેશનના પ્રતાપે ગુજરાતના દરિયાકિનારે અને વિવિધ વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જેને ધ્યાનમાં લઈને ભારતીય કોસ્ટગાર્ડના ડાયરેકટર જનરલ રાકેશ પાલ દ્વારા એટીએસના એસપી સુનિલ જોશીનું મેડલ તેમજ પ્રમાણ પત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ દ્વારા તેમનું અને ટીમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

જણાવવું રહ્યું કે ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયાકિનારે નેવી બાદ કોસ્ટગાર્ડ સતત વાંધાજનક કામગીરીનો પર્દાફાશ કરતી આવી છે. એટીએસના સહયોગને લઈ કોસ્ટગાર્ડને મળેલા બળના પ્રતાપે આંતરરાષ્ટ્રીય સરહદથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ સતત નાકામયાબ બનાવવામાં આવી છે. કોસ્ટગાર્ડ ડીજી દ્વારા આ જ રીતે વધારે સહયોગ સાથે કઈ રીતે વધારેને વધારે દરિયા કિનારે ચુસ્તતા વર્તાય અને વાંધાજનક પ્રવૃતિઓ પર લગામ લાગે તે માટે જોઇન્ટ ઓપરેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો.