આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ ભારતમાં દહેશત ફેલાવવા માટે નવા મોડ્યૂલ અપનાવવા માટેની તૈયારી કરી છે. આ ખુલાસો રાજસ્થાનમાં આઇઇડી મામલામાં આતંકીઓની ધરપકડ બાદ કરાયો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા ( એનઆઇએ) દ્વારા આઇએસના આતંકીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ થયો છે.
એજન્સીના સૂત્રોના કહેવા મુજબ નવા મોડ્યૂલને અંજામ આપવા માટે આઇએસે મધ્યપ્રદેશના રતલામમાં બે આતંકીઓને ખાસ ટ્રેનર આપીને વિસ્ફોટક નિષ્ણાત બનાવ્યા છે. ત્યારબાદ તેમને રોમિંગ ટ્રેનર બનાવીને જુદાં જુદાં રાજ્યોમાં મોકલ્યા હતા. આ રોમિંગ ટ્રેનર મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, જમ્મુ-કાશ્મીર અને બીજાં રાજ્યોમાં આતંકીઓને આઇઇડી વિસ્ફોટક તૈયાર કરવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા.
રાજસ્થાનના ચિત્તોડગઢમાં વર્ષ 2022માં આઇઇડી બોમ્બ મળ્યો હતો. એજન્સીએ જ્યારે કાવતરાની તપાસ કરી ત્યારે તેની પાછળ આઇએસ સાથે જોડાયેલા સુફા આતંકી સંગઠન અંગે માહિતી મળી હતી. એવી પણ માહિતી મળી કે રાજસ્થાનમાં આઇઇડી બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપવાના હેતુથી ચિત્તોડગઢમાં કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં સુફાની સંડોવણી હતી. જોકે સુરક્ષા સંસ્થાઓ એલર્ટ હોવાના કારણે તેમનાં કાવતરાંનો પર્દાફાશ થઇ ગયો હતો.
મધ્યપ્રદેશના રતલામમાં રહેતા મોહમ્મદ યુનુસ સાકી અને ઇમરાન ખાન ઉર્ફે યુસુફે આઇએસના આતંકીઓની મદદથી વિસ્ફોટક તૈયાર કરવાની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ આ રોમિંગ ટ્રેનર બનીને રાજસ્થાન પહોંચ્યા હતા.
એનઆઇએનાં સૂત્રોના કહેવા મુજબ રતલામનો રહેવાસી ઇમરાન ખાન રાજસ્થાનમાં આતંકી કાવતરાનો માસ્ટરમાઇન્ડ હતો. ઇમરાને મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં આઇએસના ફેલાવા માટે એક સ્લીપર સેલનું નેટવર્ક સ્થાપિત કર્યું હતું. તેની મદદમાં મોહમ્મદ યુનુસ ખાન આવ્યો હતો. એનઆઇએના સૂત્રોના કહેવા મુજબ બંને રોમિંગ ટ્રેનર તરફથી આઇએસના સ્લીપર સેલ રાજસ્થાનમાં એક્ટિવ કરવા અને કેટલીક જગ્યાએ આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે કાવતરાં ઘડી કાઢ્યાં હતાં પરંતુ ખુલાસો થયા બાદ તેઓ મહારાષ્ટ્ર ભાગી ગયા હતા. પૂણેમાં રહીને આ શખ્સોએ બે દિવસ માટે આઇઇડી બોમ્બ સામગ્રી મારફતે બોમ્બ બનાવવાની ટ્રેનિંગ માટે કેમ્પનું આયોજન કર્યુ હતું.
બંનેએ જમ્મુ-કાશ્મીર, કેરળ અને મધ્યપ્રદેશમાં સ્લીપર સેલને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપવા માટે કેટલાક કેમ્પ યોજ્યા હતા. ગયા મહિનામાં જ એનઆઇએની ટીમે તેમના પોલ્ટ્રીફોર્મ પર કબજો જમાવ્યો હતો. જ્યારે આ લોકો રાજસ્થાન પહોંચ્યા ત્યારે એનઆઇએના સકંજામાં આવી ગયા હતા.