નવીદિલ્હી, હવામાં સૂક્ષ્મ રજકણોના પ્રદુષણના કારણે સરેરાશ ભારતીયના આયુષ્યમાં ૫.૩ વર્ષ અને દિલ્હીના રહીશોનું આયુષ્ય ૧૧.૯ વર્ષ જેટલું ઓછું થવાનું અનુમાન છે. યુનિવર્સિટી ઓફ શિકાગો ખાતેની એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા અપડેટેડ એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સમાં આ અનુમાન કરવામાં આવ્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ૫ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર ધોરણો સાથેની સરખામણી બાદ આ અનુમાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાંનુ એક છે.
જો દેશમાં હવાની ગુણવત્તા ધોરણો (૪૦ જી એમ ૩) સુધી નહીં જળવાય તો સરેરાશ ભારતીય ૧.૮ વર્ષનું અને દિલ્હીના રહેવાસીઓ ૮.૫ વર્ષ સુધીનું આયુષ્ય ગુમાવી શકે છે તેમ અહેવાલમાં જણાવાયું છે. આ સૂચકાંક વાર્ષિક સરેરાશ પીએમ૨.૫ના સ્તરને ધ્યાનમાં રાખીને ડબલ્યુએચઓના માપદંડો પર આધારિત છે, જે દર્શાવે છે કે ભારતના ઘણા વિસ્તારો – બાંગ્લાદેશ પછી વિશ્ર્વમાં બીજા નંબરના સૌથી પ્રદૂષિત વિસ્તાર છે. હવાના પ્રદૂષણને કારણે ગુડગાંવમાં ૧૧.૨ વર્ષ, ફરીદાબાદમાં ૧૦.૮ વર્ષ, જૌનપુર (ઉત્તર પ્રદેશ)માં ૧૦.૧ વર્ષ, લખનઉ અને કાનપુરમાં ૯.૭ વર્ષ, મુઝફરપુર (બિહાર)માં ૯.૨ વર્ષ, પ્રયાગરાજ (યુપી)માં ૮.૮ વર્ષ અને પટનામાં ૮.૭ વર્ષનું સરેરાશ આયુષ્ય ઓછુ થઇ શકે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના તમામ ૧.૩ અબજથી વધુ લોકો એવા વિસ્તારોમાં રહે છે જ્યાં વાર્ષિક સરેરાશ કણોનું પ્રદૂષણનું સ્તર ડબ્લ્યુએચઓના ધોરણો કરતા વધારે છે જ્યારે ૬૭.૪ ટકા વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જયાં દેશની પોતાના રાષ્ટ્રીય હવા ગુણવત્તા ધોરણોથી વધુ છે. આયુષ્યની દ્રષ્ટિએ માપવામાં આવે તો, એક્યુએલઆઈનો અહેવાલ કહે છે કે ભારતમાં કણોનું પ્રદૂષણ માનવ આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે, જેમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી સરેરાશ આયુષ્યમાં આશરે ૪.૫ વર્ષનો ઘટાડો થાય છે, ત્યારબાદ બાળક અને માતાના કુપોષણ (૧.૮ વર્ષ) આવે છે.
વૈશ્ર્વિક સ્તરે હવાનું પ્રદૂષણ માનવ આરોગ્ય માટે સૌથી મહત્ત્વનું બાહ્ય જોખમ છે, જે ડબલ્યુએચઓના ધોરણો અનુસાર સરેરાશ આયુષ્યમાં ૨.૩ વર્ષનો ઘટાડો કરે છે. ઇપીઆઇસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્ર્વિક આયુષ્ય પર પીએમ ૨.૫ની અસર ધૂમ્રપાન સાથે સરખાવી શકાય છે.આ જોખમ દારુની લત, બિનઆરોગ્યપ્રદ પાણીની સરખામણીમાં ત્રણ ગણાથી વધુ, વાહન અકસ્માત કરતા ૫ ગણાથી વધુ અને એઇડ્સ કરતા ૭ ગણાથી વધુ છે.ઇકોનોમિક્સમાં મિલ્ટન ફ્રિડમેન ડિસ્ટિગ્નેટેડ સર્વિસ પ્રોફેસર અને ઇપીઆઇસીમાં એક્યુએલઆઇના માઇકલ ગ્રીનસ્ટોને જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક આયુષ્ય પર હવાના પ્રદૂષણની અસરનો ત્રણ ચતુર્થાંશ ભાગ માત્ર છ દેશો – બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, ચીન, નાઇજિરિયા અને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. જ્યાં લોકો જે હવા શ્ર્વાસમાં લે છે તેના કારણે તેમના જીવનના એકથી છ વર્ષનો ઘટાડો થાય છે.દક્ષિણ એશિયામાં, ૨૦૧૩ થી ૨૦૨૧ સુધીમાં કણોના પ્રદૂષણમાં ૯.૭ ટકાનો વધારો થયો છે. ભારતમાં પીએમ૨.૫નું સ્તર ૯.૫ ટકા વધ્યું છે. પાકિસ્તાનમાં ૮.૮ ટકા અને બાંગ્લાદેશમાં ૧૨.૪ ટકાનો વધારો થયો છે. કોવિડના રોગચાળા વખતે લોકડાઉનને કારણે ૨૦૨૧ (૫૮.૭ ખ્ત/દ્બ૩) ની સરખામણીમાં ૨૦૨૦ (૫૬.૨ ખ્ત/દ્બ૩) માં સરેરાશ પીએમ ૨.૫ નું સ્તર થોડું ઓછું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના સૌથી પ્રદૂષિત પ્રદેશ એવા ઉત્તરીય મેદાનોના વિસ્તારોમાં ૫૨ કરોડ લોકો એટલે કે ભારતની વસ્તીના ૩૮.૯ ટકા લોકો સરેરાશ ૮ વર્ષનું આયુષ્ય ગુમાવે તેવું જોખમ છે.