ગાંધીનગરના અડાલજ ત્રીમંદિરથી બસમાં બેસવા જતી વૃદ્ધાનાં ગળામાંથી ૧. ૨૯ લાખનાં સોનાના દોરાની ચીલઝડપ

ગાંધીનગર,ગાંધીનગરના અડાલજ ત્રીમંદિર પાસેના પીકઅપ બસ સ્ટેન્ડથી બસમાં બેસવા જતી વેળાએ ભીડનો લાભ ઉઠાવી સરગાસણની વૃદ્ધાનાં ગળામાંથી અજાણ્યો ઈસમ ૧ લાખ ૨૯ હજારની કિંમતનો સોનાના દોરાની ચીલઝડપ કરીને નાસી ગયો હતો. જેને પગલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સરગાસણ પ્રાર્થના ગ્રીન સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય મીનાબેન જોશી દીકરા વૈભવ સાથે રહી વિધવા જીવન વિતાવે છે. આજે રક્ષા બંધનનાં તહેવાર નિમિત્તે પિયર દાંતીવાડાનાં ડાંગીયા ગામ જવાનું હોવાથી ગઈકાલે મીનાબેનને તેમનો પુત્ર વૈભવ એક્ટિવા લઈને અડાલજ ત્રીમંદિર બસ સ્ટેન્ડ મૂકવા માટે ગયા હતા.

આશરે બપોરના ૧૨.૫૦ વાગે અમદાવાદ સુંધામાતા એસ.ટી. બસ આવતા મીનાબેન બસમાં બેસવા પગથીયા ચડી રહ્યા હતા. તે વખતે બસમાં ખુબ જ ભીડ તેમજ પાછળ પણ ઘણાં મુસાફરો ઉભા હતા. એ દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમે ભીડનો લાભ ઉઠાવી મીનાબેનનાં ગળામાંથી રૂ. ૧.૨૯ લાખની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતો.

જેની જાણ થતાં જ મીનાબેને બુમાબુમ કરતાં બસ સ્ટેન્ડ ઉપર ઉભેલ વૈભવભાઈ તુરંત બસમાં ચડી ગયા હતા. બાદમાં બસમાં બેસેલ અને બહાર ઉભેલા મુસાફરોની તપાસ કરી હતી. પરંતુ સોનાના દોરાની કોઈ ભાળ મળી ન હતી. આખરે મીનાબેને ફરિયાદ આપતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.