બીજીંગ, ચીન-પાકિસ્તાન યુદ્ધ પ્રેક્ટિસ: ભારતને ’ટાર્ગેટ’ કરતી વખતે પાકિસ્તાન અને ચીનની સેનાઓએ સાથે મળીને હવાઈ યુદ્ધની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બંને બાજુ ભારતની સરહદોના દુશ્મનોનો આ દાવપેચ ભારત માટે મોટો ખતરો બની શકે છે. જોકે ભારત સંપૂર્ણ રીતે એલર્ટ છે. ચીન અને પાકિસ્તાન તેમની યુક્તિઓ માટે વિશ્ર્વમાં કુખ્યાત છે. આ દરમિયાન બંને દેશોની સેનાઓએ હવાઈ યુદ્ધ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
બંને દેશોની સેનાઓએ સંયુક્ત હવાઈ કવાયત શાહીન ૧૦ શરૂ કરી હતી. ચીનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે બંને સેનાના ભૂમિ અને વાયુ સેના સંયુક્ત હવાઈ સંરક્ષણ, સંયુક્ત કાઉન્ટરમેઝર્સ અને જોઈન્ટ કેપ્ચર અને કંટ્રોલ ટ્રેનિંગ જેવી વિવિધ લડાયક પરિસ્થિતિઓ પર કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના ઓલ ટાઈમ ફેવરિટ ’મિત્ર’ ચીન સાથે મળીને પાકિસ્તાનની વાયુસેના ભારતને નિશાન બનાવીને દાવપેચ ચલાવી રહી છે.
આ યુદ્ધ કવાયતનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે, ત્યારે ચીને ફરી એકવાર પોતાની યુક્તિનો પર્દાફાશ કર્યો છે. ચીને નવો નકશો જાહેર કર્યો છે. જેમાં ચીને ભારતના બે રાજ્યો અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન પર પોતાનો દાવો રજૂ કર્યો છે. નવો નકશો જારી કરીને ચીને ભારતના માત્ર બે રાજ્યો જ નહીં પરંતુ તાઈવાન અને દક્ષિણ ચીન સાગરને પણ પોતાનું જાહેર કર્યું છે.
ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષો ચીનમાં આ કવાયતમાં લડાકૂ વિમાનો, ચેતવણી વિમાનો અને અન્ય કેટલાક પ્રકારના એરક્રાફ્ટ તેમજ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને રડાર અને સિગ્નલ સૈનિકોનો ઉપયોગ કરશે. ટ્રેનિંગમાં ચીની નૌકાદળનું એક એવિએશન યુનિટ પણ ભાગ લેશે. ૨૦૧૧માં બંને દેશોએ પહેલીવાર આવી કવાયત કરી હતી. ચીન પાકિસ્તાનનો સૌથી મોટો ડિફેન્સ પાર્ટનર છે, ત્યારબાદ અમેરિકાનો નંબર આવે છે. અગાઉ, ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે તે આ સપ્તાહે સિંગાપોર સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરશે.