વરુણ ગાંધી ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થશે?

લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત યુપીમાં અજય રાય પર દાવ લગાવ્યો છે. અજય રાયે યુપી પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદથી પાર્ટી એક્શન મોડમાં છે અને કોંગ્રેસની વોટ બેંકને મજબૂત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. હાલમાં જ તેમણે પૂર્વાંચલના પ્રમુખ બ્રાહ્મણ ચેહરે લલિતેશ પતિ ત્રિપાઠી માટે પણ કોંગ્રેસના દરવાજા ખોલી દીધા છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે, શું કોંગ્રેસ વરુણ ગાંધીના નામ પર પણ વિચાર કરી શકશે કે કેમ? શું અજય રાય વરુણ ગાંધીને પણ કોંગ્રેસમાં લાવવાનો પ્રયાસ કરશે. આ તમામ સવાલો પણ તેમણે ખુલીને જવાબ આપ્યા છે.

પીલીભીતથી બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાના બળવાખોર વલણને લઈને ચર્ચામાં રહે છે. તેઓ અવારનવાર પાર્ટી લાઈનથી અલગ હટીને નિવેદનો આપે છે અને ભાજપ પર પ્રહાર કરવાની કોઈ તક નથી છોડતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ફરીથી બીજેપી વિરુદ્ધ બોલી રહ્યા છે. એક સમયે પાર્ટીના સ્ટાર પ્રચારક રહેલા વરુણ ગાંધી હવે મોટા નેતાઓ સાથે સ્ટેજ પર પણ નજર નથી આવતા. આ વાતને લઈને એવી પણ ચર્ચા છે કે, આ વખતે વરુણ ગાંધીની ટિકિટ કપાઈ શકે છે.

વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ કરવાના સવાલ પર અજય રાયે કહ્યું કે, આ માતા અને પુત્ર વચ્ચેની વાત છે. મને લાગે છે કે, બીજેપીમાં રહીને વરુણ ગાંધી પોતાના સ્તરને નબળું કરી રહ્યા છે. અત્યાર સુધીમાં જે સ્થિતિઓ રહી છે તેમાં તેઓ સાંસદ રહ્યા છે અને સાથે કામ કરી રહ્યા છે. તેમણે નિશ્ચિત રૂપે વિચાર કરવો જોઈએ કે, તેમણે શું કરવું છે. બીજી તરફ કોંગ્રેસમાં તેમને સામેલ કરવાના સવાલ પર અજય રાયે કહ્યું કે, આ મામલે પાર્ટીનું નેતૃત્વ નિર્ણય કરશે. પાર્ટીનો જે પણ નિર્ણય હશે તેનો અમે સ્વીકાર કરીશું.

જોકે, આ પહેલી વખત નથી કે, વરુણ ગાંધીના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળોએ જોર પકડ્યુ હોય. આ અગાઉ 2022માં પણ આવી ખબરો સામે આવી હતી કે, વરુણ ગાંધી પ્રિયંકા ગાંધીના સંપર્કમાં છે અને તે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. જોકે, ત્યારબાદ રાહુલ ગાંધીના નિવેદન બાદથી તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયો હતો જ્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, વરુણ ગાંધીએ RSSની વિચારધારાને અપનાવી છે. હું તેમની સાથે મુલાકાત કરી શકું છું તેમને ગળે મળી શકું છું પરંતુ તેમની વિચારધારાને અપનાવી ન શકું. તેમની અને મારી વિચારધારા અલગ છે.