ડાકોર મંદિરમાંથી વીઆઇપી કલ્ચરનો નિર્ણય પરત ખેંચાશે?

ડાકોર, ડાકોર ખાતે ભગવાન રણછોડરાયનાં વીઆઇપી દર્શન કરવા માટે પૈસા ચૂકવવાનાં મંદિરનાં ટ્રસ્ટ્રીઓનાં તઘલખી નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડાકોર ટેમ્પલ કમિટી વીઆઇપી દર્શન મામલે પૂનમનાં બીજા દિવસે નિર્ણય પાછો ખેંચવાનો યુ ટર્ન લઈ શકે છે. મંદિર કમિટી દ્વારા નડીયાદમાં ચેરમેન ટ્રસ્ટ્રીઓ અને ભાજપનાં આગેવાનો, સરપંચ એસોસિયેશન, ક્ષત્રિય આગેવાનો સાથે મીટીંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પૂનમ પહેલા જાહેરાત ન થાય તો વિરોધ વધી શકે છે.

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયનાં વીઆઇપી દર્શન કરવા માટે રૂ. ૫૦૦ ચૂકવવા પડશે. જે નિર્ણયનો હિંન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે ભક્તો દ્વારા અલગ અલગ નિવેદન આપવામાં આવતા હતા. ત્યારે ડાકોરમાં વીઆઇપી દર્શન મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે નિવેદન આપ્યું છે કે, મંદિરનાં ટ્રસ્ટ્રીઓ એમનાં સ્વાર્થ માટે રૂપિયા ઉઘરાવવાની વાત કરે છે. તેમજ પૂર્વ ધારાસભ્ય દ્વારા તો મંદિરનાં ટ્રસ્ટ્રીઓ પર કટકી કરવાનો આરોપ લગાવ્યો છે.

વધુમાં કાંતિ પરમારે જણાવ્યું હતું કે, ડાકોર અને ગુજરાતમાં રૂપિયાથી દર્શન હોવા જોઈએ. મંદિર પાસે ઘણા રૂપિયા છે છતાં ભક્તોને કોઈ સુવિધા અપાતી નથી. મંદિર ટ્રસ્ટ અને સંચાલકોને માત્ર રૂપિયા એકત્ર કરવા અને વહીવટમાં જ રસ છે. ત્યારે ડાકોર મંદિર કમિટીનો નિર્ણય તદ્દન ખોટો છે તેને તાત્કાલિક રદ્દ કરવો જોઈએ. મંદિર કમિટીનાં નિર્ણયનો ક્ષત્રિય સંગઠનો- સરપંચ તેમજ એસોસિએશન દ્વારા વિરોધ કર્યો છે.

ડાકોરમાં મંદિરની કમિટીના વિવાદિત નિર્ણય પ્રમાણે હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.૫૦૦ ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો ૨૫૦ રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો ૨૫૦ રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. જોકે ગઈકાલે આ નિર્ણયના પ્રથમ દિવસે ગુરુવારે ૭ દર્શનાર્થીઓ ૫૦૦ રૂપિયા અને ૩ વ્યક્તિ ૨૫૦ રૂપિયા ચાર્જ ચૂકવી વીઆઇપી દર્શન કર્યા હતા.