જવાહરલાલ નેહરુ માત્ર મોટી વાતો કરતા ન હતા, તેઓ મોટા નિર્ણયો પણ લેતા હતા: કોંગ્રેસ

કોંગ્રેસે ઈસરોની સ્થાપના માટે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના યોગદાનની પ્રશંસા કરી છે. કોંગ્રેસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં નેહરુ અને કોંગ્રેસના અન્ય વડાપ્રધાનોના યોગદાનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓ તેમના નેતાઓના પ્રયાસોને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે શાસક પક્ષનો દાવો છે કે 2014 પછી આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે.

કોંગ્રેસના મહાસચિવ (કમ્યુનિકેશ) જયરામ રમેશે પણ આ મુદ્દે ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે નેહરુ વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપતા હતા. જે લોકો ISROની સ્થાપનામાં તેમના યોગદાનને પચાવી શકતા નથી તેઓએ TIFR (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ)ના સ્થાપના દિવસે તેમનું ભાષણ સાંભળવું જોઈએ. જયરામ રમેશે જવાહરલાલ નેહરુના તે ભાષણનો વીડિયો પણ ટ્વિટ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે નેહરુ માત્ર મોટી મોટી વાતો કરતા ન હતા પરંતુ તેઓ મોટા નિર્ણયો પણ લેતા હતા.

ચંદ્ર પર ચંદ્રયાન-3ની સફળતા બાદ કોંગ્રેસે કહ્યું હતું કે આ દરેક ભારતીયની સામૂહિક સફળતા છે અને ઈસરોની સિદ્ધિ સાતત્યની ગાથા દર્શાવે છે જે ખરેખર અદભૂત છે. કોંગ્રેસે કહ્યું છે કે 1962માં INCOSPARની રચના સાથે ભારતની અવકાશ યાત્રા શરૂ થઈ હતી, જે હોમી ભાભા અને વિક્રમ સારાભાઈની દૂરંદેશી તેમજ દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુના સમર્થનનું પરિણામ હતું. આ પછી  ઓગસ્ટ 1969માં સારાભાઈએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સ્થાપના કરી હતી.