Cyclone Yaas બુધવારે 130-145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે દેશના પૂર્વ ભાગો ટકરાતા ભારે વરસાદ થયો હતો. જેના કારણે ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે ઓરિસ્સા ( Odisha) માં ત્રણ અને પશ્ચિમ બંગાળ( West Bengal) માં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ચક્રવાતને કારણે ઓરિસ્સાના ધમરા બંદર પાસે નીચલા ભાગમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારોમાંથી 20 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
બપોર પછી કાંઠે ટકરાયા બાદ તોફાન નબળું પડ્યું હતું.ઓરિસ્સાના વિશેષ રાહત કમિશનર (એસઆરસી) પી કે જેનાએ જણાવ્યું હતું કે બાલાસોર જિલ્લાના બાહનાગા અને રેમ્યુના બ્લોક્સ અને ભદ્રક જિલ્લાના ધમરા અને બાસુદેવપુરના ગામોમાં દરિયાઇ પાણી પ્રવેશ કર્યો હતો.
તેમણે કહ્યું કે વહીવટ સ્થાનિક લોકોની મદદથી ગામડામાંથી પાણી નીકાળવાના પગલા લઈ રહ્યું છે. જેનાએ જણાવ્યું હતું કે, મયુરભંજ જિલ્લાના સિમિલીપાલ નેશનલ પાર્કમાં ભારે વરસાદને કારણે બુધબલાંગ નદીમાં અચાનક પૂર આવવાની સંભાવના છે. બપોરે નદીનું જળસ્તર 27 મીટરના ભય સ્તર સામે 21 મીટર હતું.
તેમણે કહ્યું કે મયુરભંજ જિલ્લા વહીવટીતંત્રે નદીના બંને કાંઠે આવેલા કેટલાક વિસ્તારો અને બારીપાડા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવાનું શરૂ કર્યું છે.જેનાએ કહ્યું કે જગતસિંઘપુર, કેન્દ્રપરા અને જાજપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ વીજ લાઇનોના સમારકામનું કામ શરૂ થયું છે. તેમણે કહ્યું કે આ જિલ્લાઓમાં વધારે નુકસાન થયું નથી.
સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કેનોઝાર અને બાલાસોરમાં વૃક્ષો ધરાશાયી થતાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી. મયુરભંજમાં ઘરની નીચે પડ્યા બાદ અન્ય એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.
જેનાએ જણાવ્યું હતું કે સાંજ સુધીમાં પવનની ગતિ ધીમી થશે અને મધરાત સુધીમાં ચક્રવાત ઓરિસ્સાથી ઝારખંડ તરફ આગળ વધશે. આઠ લાખ લોકોને ઓરિસ્સાના સંવેદનશીલ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને જ્યારે એક લાખ લોકોને પશ્ચિમ બંગાળના આશ્રય સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.
બંગાળ સરકારે દાવો કર્યો છે કે આ કુદરતી આપત્તિના કારણે ઓછામાં ઓછા એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. યાસ એ ‘તા-ઉતે પછી એક અઠવાડિયાની અંદર દેશના દરિયાકાંઠે ત્રાટકનારું બીજું ચક્રવાત છે.
બંગાળમાં કેટલું નુકસાન?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં ચક્રવાતથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે ત્રણ લાખ ઘરને નુકસાન પહોંચ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ચક્રવાતથી રાજ્ય સૌથી વધુઅસરગ્રસ્ત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બંગાળના ઓછામાં ઓછા એક કરોડ લોકો આ કુદરતી આફતથી પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ મકાનોને નુકસાન થયું છે.
તેમણે કહ્યું કે એક વ્યક્તિનું આકસ્મિક મોત થયું છે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં 10 કરોડની રાહત સામગ્રી મોકલવામાં આવી છે. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, પૂર્વ મિદનાપુરનો દિધા જે ઓરિસ્સાની બાલાસોર જિલ્લાની સરહદ ધરાવે છે. તે સંપૂર્ણપણે ડૂબી ગયો છે અને રાહત અને બચાવ કામગીરી માટે સેનાને બોલાવવામાં આવી છે.