અમદાવાદના સરખેજમાં સગીરાના મોત મામલે ચોંકાવનારો વળાંક, પ્રેમીની માતા જેલ હવાલે

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીરાનો તેની સાથે જ અભ્યાસ કરતા સગીર સાથે પ્રેમસંબંધ હતો. બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત અને મેસેજ થતાં હતા. આ મેસેજ સગીરાના માતા-પિતાના ધ્યાને આવતા તેમણે સગીરના ઘરે જઈ બંનેને અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપવા સમજાવ્યા હતા. ત્યારબાદ પણ બંનેનો સંપર્ક યથાવત રહ્યો હતો. બંને સ્કૂલના મેદાનમાં સાથે બેઠેલા જાવા મળતા સ્કૂલના આચાર્યએ બંને પરિવારને બોલાવી સમગ્ર બાબતે જાણ કરી હતી. આ સંબંધથી નારાજ સગીરની માતા સગીરાના ઘરે પહોંચી હતી. આક્ષેપ મુજબ માતા એ સગીરાની આબરૂ અને પ્રેમસંબંધને લઈને ભારે માનસિક ત્રાસ આપ્યો હતો.

સાચો પ્રેમ કરતી હોય તો લટકી જા કોઈ ઘરે ન હોય ત્યારે લટકી જવાય તેમજ તારા મા-બાપને હું જાઈ લઈશ જેવા શબ્દો કહ્યા હોવાનો આક્ષેપ ફરિયાદ છે. આ ઉપરાંત દવા પીને મરી જવા, લટકી જવા તેમજ ધાબા પરથી નીચે ફેંકી દેવા જેવી ધમકીભરી વાતો કરી હોવાનો પણ આક્ષેપ છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સગીરા માનસિક રીતે હતાશ થઈ હતી અને અંતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

આ સગીરાના આપઘાત બાદ પરિવારજનોએ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સાથે જ સગીરની માતા અને સગીરા વચ્ચેની વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ તેમજ સગીરાના ઘરે નેહા આવી હોવાના સીસીટીવી ફૂટેજ પોલીસને આપવામાં આવ્યા હતા. સરખેજ પોલીસે ઓડિયો અને સીસીટીવી સહિતના પુરાવાઓની તપાસ કર્યા બાદ સગીરાએ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાના આક્ષેપમાં સગીરની માતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ તપાસમાં સગીરા સાથે થયેલી કથિત વાતચીત, ઘટનાક્રમ અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી. આત્મહત્યા દુષ્પ્રેરણને લઈને આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી મહિલાની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઓડિયો રેકો‹ડગ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.