- દાહોદ બી ડિવિઝન પોલીસ ની પાંચ ટીમોનું સીસીટીવી કેમેરાની ફૂટેજો અને દાહોદ થી ઉજ્જૈન સુધી તપાસનો ધમધમાટ.
- દાહોદથી ટ્રેનમાં બેસી અનાસ ખાતે ઉતર્યો,દિલ્હી-મુંબઈ ટ્રેક પર વચ્ચે ચાલતા વિજયને ખેડૂતે હેમખેમ પોલીસને સુપરત કર્યો.
દાહોદ, દાહોદ શહેરના ગોદીરોડ પર રહેતા અને છૂટક મજૂરી કરતા એક વ્યક્તિનો બીજા ધોરણમાં અભ્યાસ કરતો 7 વર્ષીય પુત્ર રતલામ તરફ જતી ટ્રેનમાં બેસી અનાસ ખાતે ઉતરી તણસિયા ખાતેથી પસાર થતો દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર પગપાળા પહોંચી ગયો હતો. જોકે આ દરમિયાન નજીકમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતની નજર આ બાળક પર પડતા ખેડૂતે આ બાળકને રેલવે ટ્રેક પરથી કબજો લઈ બેસાડી દીધો હતો આ દરમિયાન બાળક ખોવાયો હોવાની જાણ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ મહેશ દેસાઈને થતા તેઓની આગેવાનીમાં દાહોદ પોલીસની આઠ ટીમોએ શહેરમાં લાગેલા નેત્રમ તેમજ આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના મદદથી રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશન પર સીસીટીવી ફૂટેજ ના આધારે તેમજ બાળકના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તપાસ હાથ ધરતા આખરે ગણતરીના કલાકોમાં પોલીસની મહેનત ફળી અને ઘરેથી ગુમ થયેલા બાળકને સુરક્ષિત રીતે કબજો મેળવી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં આ બાળકને તેના પરિવાર જોડને પુન:મિલન કરાવ્યુ હતું. જોકે આ દરમિયાન રેલવે ટ્રેક પર પહોંચેલા આ આ બાળક ખેડૂતની નજર પડતા ખેડૂતે સુઝબુઝ વાપરતા બાળકનું પરિવાર જોડે પુન: મિલન થયું હતું. જો બાળક રેલવે ટ્રેક પર પગપાળા જઈ રહ્યો હતો. તે સમયે અતિ વ્યસ્ત ગણાતા આ રેલવે ટ્રેક પર કોઈ ટ્રેન આવી જતી તો આ બાળકનું શું થતું તે કલ્પના પણ કરી શકાય તેમ નથી. પરંતુ આ બનાવમાં રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિ સાર્થક થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ગોદી રોડ હકીમી સોસાયટી પાસે રહેતા અને છૂટક મજૂરી કરતા રામસિંગભાઈ કાળુભાઈ મોહનિયાની પત્ની ચાર વર્ષ અગાઉ ક્યાંક જતી રહેતા રહેતા માતા વિહોણા બનેલા 7 વર્ષીય પુત્ર વિજયને બે નાની બહેનના ભરોસે ઘરે મૂકી ગતરોજ વહેલી સવારે સાત વાગે મજૂરી પર જતા રહ્યા હતા. જે બાદ ઘરેથી કોઈને કીધા વગર ગોદીરોડ પર આવેલો બાળક વિજય ગોદી રોડની રેલવેની એન્ટ્રીથી રેલવે સ્ટેશનમાં દાખલ થયા બાદ પ્લેટફોર્મ નંબર એક પર આવ્યો હતો. જ્યાં થોડીવારમાં એક પછી એક બે ટ્રેનો આવતા આ બાળક ટ્રેનમાં ચડ્યો અને ફરી ઉતરી ગયો હતો. થોડીવાર પછી આ બાળક પ્લેટફોર્મ નંબર એક પર ઉભેલી રતલામ તરફ જતી મેમો ટ્રેનમાં બેસી ગયો હતો અને ભીડના કારણે ભરત પુત્રી ન શકતા તે ટ્રેન મારફતે રતલામ તરફ જતો રહ્યો હતો. આ દરમિયાન સાંજ પડતા વિજયના પિતા ઘરે આવતા વિજય હાજર ન મળતા તેઓએ શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પતો ન લાગતા આખરે ગુમ થયેલા વિજયની ફરિયાદ આપવા રામસિંગભાઈ કાળુભાઈ મોહનિયા બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં આ બાળકના સાંભળ્યા બાદ ટાઉન પોલીસ મથકના પી.આઈ મહેશ દેસાઈ પણ ચોકી ઉઠ્યા હતા. જોકે આ બાળક ક્યાં જતો રહ્યો કેવી રીતે ગુમ થયો તે અંગેની કશમકશમાં તાજેતરમાં બાળ તસ્કરી ગેંગ પણ ઝડપાઈ હોવાથી આ બાળક કોઈ ખોટા હાથે ન ચડી જાય અથવા એટલી દૂર ન જતો રહે તેને શોધવો ભારે પડે તે અંગે પોલીસે ગંભીરતા દાખવી અને તપાસનો ધમધમાટનો આરંભ કર્યો હતો. બાળક એના ઘરેથી નીકળ્યા બાદ રસ્તામાં પડતા તમામ સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ કેમેરાના મદદથી બી ડિવિઝનના પીઆઇ મહેશ દેસાઈ ની આગેવાનીમાં પોલીસની 5 ટીમો કામે લાગી અને વિજયની શોધખોળ શરૂ કરી અને સીસીટીવી કેમેરા જોયા બાદ પોલીસ માટે એક રાહતના સમાચાર હતા કે આ બાળકનું કોઈએ અપહરણ નહોતું કર્યું હતું પરંતુ આ બાળક પોતાની જાતે જઈ રહ્યો હતો. જેથી પોલીસે અપહરણ અથવા બાળ તસ્કરી થીયરીને પડતું મૂકી સીસીટીવી કેમેરાના આધારે તપાસમાં જોતરાઈ હતી.
ત્યારબાદ પોલીસે રેલવે સ્ટેશન ખાતે લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજો ખંગાળતા આ બાળક રતલામ તરફ જતી મેમો ટ્રેનમાં બેસી જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસની જુદી જુદી ટીમોએ દાહોદ થી ઉજ્જૈન સુધીના તમામ સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરી આ બાળક ના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ બાળક અનાથ નજીક તણસીયા પાસે દિલ્હી મુંબઈ રેલવે ટ્રેક પરથી એક ખેડૂતને મળી આવતા ખેડૂતે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટના આધારે દાહોદ પોલીસ નો સંપર્ક કરી બાળકને દાહોદ પોલીસને સુપ્રત કર્યો હતો. જેના કારણે પોલીસ અને ખેડૂતના સંયુક્ત પ્રયાસ થકી ઘરેથી ગુમ થયેલા ગુમ થયેલા 7 વર્ષીય વિજયનું પરિવાર જોડે મિલન કરાવ્યું હતું.
બી ડિવિઝનના પીઆઈના નેતૃત્વમાં પાંચ ટીંમોં દાહોદ થી ઉજ્જૈન સુધીના તમામ સ્ટેશનો પર બાળકની શોધખોળનો ધમધમાટ…..
દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઉભેલી દાહોદ-ઉજ્જૈન મેમો ટ્રેનમાં બેસી વિજય તરફ જતો હોવાનું સીસીટીવી માં સામે આવતા બી ડિવિઝનના પી.આઈ મહેશ દેસાઈના નેતૃત્વમાં પોલીસની પાંચ ટીમો કામે લાગી અને દાહોદ થી ઉજ્જૈન સુધીના તમામ મોટા સ્ટેશનો પર પોલીસની શોધખોળ માટે તપાસનો ડોર લંબાવ્યો હતો.
દિલ્લી-મુંબઈ રેલ્વે ટ્રેક પર પગપાળા જતા વિજયને ખેડૂતની સુઝબુઝથી બચાવ્યો…..
મેમો ટ્રેનમાં બેસી રતલામ જવા નીકળેલો વિજય ટ્રેનમાં ભીડના કારણે અનાસ રેલવે સ્ટેશન પર ઉતરી ગયો હતો. ક્યાં જવું ક્યાં ન જવું અને એકલા પડી ગયેલો વિજય રમતીયાળ સ્વભાવનો હોવાથી પ્લેટફોર્મ થી રેલવે ટ્રેક પર વચ્ચે ચાલતો ચાલતો નજીકના તણસીયા સુધી પહોંચ્યો હતો. જ્યાં નજીકના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતની નજર રેલવે ટ્રેક પર વચ્ચે વચ્ચે ચાલતા વિજય પર પડી હતી. પરંતુ સમય પારખી ગયેલા આ જાગૃત ખેડૂતે એક પળનો વિલંબ કર્યા વગર વિજયને રેલવે ટ્રેક પરથી પકડી પોતાની સાથે ખેતરમાં લઈ ગયો હતો. જેના પગલે બાળક જોડે કઈ અજુગતું બને તે પહેલા જ સંકટ મોચક તરીકે આવેલા ખેડૂતે આ બાળકને તેના પરિવાર સુધી હેમખેમ પહોંચાડવા નિમિત બન્યો હતો.
અતિ વ્યસ્ત દિલ્હી મુંબઈ ટ્રેક પર સદનસીબે કોઈ ટ્રેન ના આવતા સાત વર્ષીય બાળકનું ચમત્કારિક બચાવ: રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિ સાર્થક થઈ
દિલ્હી-મુંબઈ ટ્રેક પર વિજય વચ્ચે ચાલી રહ્યો હતો. આમ તો અતિ વ્યસ્ત રેલ માર્ગ તરીકે ગણાતા દિલ્હી મુંબઈ રેલ્વે ટ્રેક પર જે સમય વિજય ચાલી રહ્યો હતો. તે સમયે સદનસીબે કોઈ ટ્રેન આવી નહોતી. જેના પગલે તેની સાથે કઈ અજુગતું બન્યું નહોતું પરંતુ જો જે સમયે વિજય ટ્રેક પર હતો તે સમયે કોઈ ટ્રેન પસાર થતી તો આ સાત વર્ષીય માસુમ અને માતા વિહોણો બનેલો વિજય સાથે શું થતો તેની કલ્પના પણ કરવી અશક્ય છે. પરંતુ આ કેસમાં વિજયનો ચમત્કારિક બચાવો થયો હતો અને રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિ પણ ક્યાંક ને ક્યાંક સાબિત થઈ હતી.