મુનપુર કોલેજના વિદ્યાર્થીઓની નદીનાથ મહાદેવ ઘોડિયાર ખાતે “પ્રકૃતિ શિબિર” યોજવામાં આવી

મુનપુર, તા.28/08/2023 ને સોમવારના રોજ અત્રેની કોલેજના આદરણીય આચાર્ય ડો. એમ. કે. મહેતાની પ્રેરણા અને માર્ગદર્શનથી કોલેજમાં કાર્યરત NSS યુનિટ અને ECO CLUB અંતર્ગત લીલી વનરાજીની વચ્ચે બિરાજમાન નદીનાથ મહાદેવ પરિસર ખાતે “પ્રકૃતિ શિબિર” યોજવામાં આવી. આ શિબિર અંતર્ગત વિદ્યાર્થીઓને આસપાસના અરણ્યમાં અસ્તિત્વ ધરાવતા વૃક્ષો અને વિવિધ વનસ્પતિઓનો તેના ઉપયોગો સાથે વિશેષ પરિચય કરાવવામાં આવ્યો.

આ શિબિરમાં આયુર્વેદના અભ્યાસુ અને જાણકાર એવા ગણપતભાઈ પારેખની વિશેષ ઉપસ્થિતિ રહી. તેઓએ વિદ્યાર્થીઓને વિવિધ વૃક્ષો, લતાઓ અને વનસ્પતિઓના જુદા જુદા ઔષધીય ગુણો અને તેનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એ અંગે રોચક જાણકાર આપી. ગણપતભાઈ પારેખે જે તે વૃક્ષ, છોડ કે વનસ્પતિઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાવીને તેના ઔષધીય ગુણો અંગે જાણકારી આપીને વિશેષ પરિચય કરાવ્યો. જેવા કે બિલી, જામ્બુ, કેળ, આંબાનો મોર, કુવાડીઓ, અરડૂસી, તુલસી, ફુદીનો, નીલગિરી, અઘેડો, પીપળો, વડ, આમળી, શિકાકાઈ, આંબલી, ડોળી, સાટોળી (પુનર્નવા), લીમડાની ગળો, કુંવરપાઠું, કોંઠી, સરગવો, મહુડો વગેરે જેવા વૃક્ષો અને જુદી જુદી વનસ્પતિઓના ઔષધીય ઉપયોગો કયા કયા રોગોમાં થઈ શકે એ અંગે અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરૂં પાડ્યું.

કાર્યક્રમના અંતમાં અત્રેની કોલેજના વિદ્યાર્થી હિતેચ્છું આચાર્ય ડો. એમ.કે.મહેતાએ આ વિસ્તારને પ્રકૃતિની વિરાસત ગણાવતા વિદ્યાર્થીઓને પોતાની આસપાસ વિવિધ ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો, છોડવાઓ અને લતાઓ ઉછેરવા આહવાન કર્યું. તેઓએ કહ્યું કે, જો આપણે પ્રકૃતિની નિશ્રામાં રહીશું તો સ્વસ્થ અને મસ્ત રહી શકીશું. પ્રકૃતિનું પાલન, પોષણ અને રક્ષણ કરવાના હેતુસર આદરણીય મહેતા દરેક વિદ્યાર્થીને પોતાના જન્મદિને પોતાના ઘરે કે ખેતરોમાં 5-5 વૃક્ષો ઉછેરવા અને તેની માવજત કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી. આ શિબિરમાં કોલેજના હિન્દી વિભાગના અધ્યાપક ડો. સુશીલા વ્યાસ વિશેષ હજાર રહ્યા હતા.

કાર્યક્રમના અંતમાં સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. હિતેષભાઈ કુબાવતે માર્ગદર્શક વક્તા ગણપતભાઈ પારેખનો સંસ્થા પરિવાર વતીથી આભાર માન્યો.

આ સમગ્ર શિબિરનું સુચારૂં અને સુંદર સંયોજન અને સંકલન કોલેજના આચાર્ય એમ. કે. મહેતા ના માર્ગદર્શનથી ગજજના પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે.એલ.ખાંટ અને ECO CLUB ના કોઓર્ડિનેટર ડો. પરેશ પારેખે કર્યું.

આ શિબિરમાં NSS અને ECO CLUB ના કુલ 45 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જોડાઈને પ્રત્યક્ષ લાભ લીધો.