કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ પદ બીજા તબકકાનો અઢી વર્ષ અનુસુચિત જાતિ મહિલા અનામતને ફળવાતા પ્રમુખ પદના દાવેદારોમાં સોંપો

કાલોલ,કાલોલ તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખપદ માટે અનુસુચિત જનજાતિ મહિલા બેઠકને ફાળે જતા અનામત બેઠક પર વિજેતા બનેલી મહિલા સભ્યોમાં ખુશી છવાઈ હતી. જયારે પ્રમુખપદના સપના જોતા અન્ય સભ્યોમાં સન્નાટો છવાઈ ગયો છે.

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના તાજ માટે ગુજરાત સરકારની રોટેશન પદ્ધતિ મુજબ પ્રથમ અઢી વર્ષ માટેની ટર્મ પુરી થતાં બીજા તબકકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવા માટે રાજય સરકારના ગેજેટ દ્વારા અનામત બેઠકોની ફાળવણી કરતો પરીપત્ર જાહેર કરાયો હતો. જે મુજબ કાલોલ તાલુકા પંચાયતના બાકીના અઢી વર્ષ માટે પ્રમુખ પદ માટે અનુસુચિત જનજાતિ મહિલા બેઠકને ફાળે જતા પ્રમુખપદના સપના જોતા અનેક સભ્યોના સપના તુટી ગયા હતા. કાલોલ તાલુકા પંચાયતની ચુંટણીમાં કુલ 24 બેઠકો પૈકી 22 બેઠકો ભાજપે જીતી હતી. બે બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયા હતા. જે મુજબ સ્પષ્ટ બહુમતીને પગલે પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સામાન્ય અનામતના ધોરણે વરણી કરાઈ હતી. જેમની પ્રથમ ટર્મ તા.16 સપ્ટેમ્બરે પુરી થતી હોઈ અને ઉપપ્રમુખ બનવા અનેક સભ્યોએ ધમપછાડા શરૂ કર્યા હતા.

પંચમહાલ જિલ્લાના રોટેશન મુજબ કાલોલ તાલુકાના પ્રમુખ તરીકે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય પુરૂષોની બેઠકના ધોરણે બીજી ટર્મમાં સામાન્ય મહિલા અનામત ફળવાય તેવી સંભાવનાઓ જોવાતી હતી. હાલ કાલોલ તાલુકા પંચાયતમાં અનુસુચિત જનજાતિ(મહિલા)ઉમેદવારો તરીકે અલવા અને ધુસર બેઠકના મહિલા સદસ્યો હોવાથી હવે આ બે મહિલા સભ્યો વચ્ચે પ્રમુખ પદ માટે ખેંચતાણ રહેશે.ત્યારે આ બેમાંથી કોની વરણી થાય છે તે તરફ સોૈની મીટ મંડાયેલી છે.