મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક આદિવાસી પરિવારને માર માર્યા બાદ કથિત રીતે 240 સોનાના સિક્કાની ચોરી કરવાના આરોપમાં ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિક્ષક હંસરાજ સિંહે રવિવારે મીડિયાને જણાવ્યું કે, સોંડવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને ત્રણ કોન્સ્ટેબલો સહિત ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ફરિયાદીએ એવો દાવો કર્યો કે તેમને ગુજરાતમાં ખોદકામ કરતી વખતે આ સોનાના સિક્કા મળી આવ્યા હતા. ચારેય પોલીસકર્મીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 379 હેઠળ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, શંભુ સિંહ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે સોંડવા પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ 19 જુલાઈના રોજ તેમના ઘરે આવ્યા હતા. આ પોલીસકર્મીઓએ ફરિયાદીના પત્નીને માર માર્યો હતો અને ઘરમાં દાટેલા 240 સોનાના સિક્કા છીનવીને લઈ ગયા.
પોલીસ અધિક્ષક હંસરાજ સિંહે કહ્યું કે, પીડિતના પરિવારે 20 જુલાઈએ FIRમાં માત્ર એક પોલીસકર્મીનું નામ લીધું હતું, પરંતુ 21 જુલાઈએ તેમણે ઈન્સ્પેક્ટર સહિત ત્રણ અન્ય લોકોના નામ આપ્યા હતા. ફરિયાદીએ દાવો કર્યો કે તેઓ અને તેમના પરિવારના સભ્યો જ્યારે ગુજરાતમાં મજૂરીકામ કરી રહ્યા હતા, ત્યારે તેમને સોનાના સિક્કા મળ્યા હતા.
તેમણે જણાવ્યું કે, તેઓએ અલીરાજપુર જિલ્લામાં તેમના ઘરની નીચે સિક્કાઓ છુપાવી દીધા હતા. અલીરાજપુરના એસડીઓપી શ્રદ્ધા સોનકરે ફરિયાદની તપાસ કરી, જે બાદ ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે. અલીરાજપુરના પૂર્વ ધારાસભ્ય અને મધ્યપ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નાગર સિંહ ચૌહાણ અને અન્ય લોકોએ રવિવારે બે કલાક સુધી સોંડવા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તેમણે માંગણી કરી હતી કે ચોરીને બદલે ચારેય પોલીસકર્મીઓ સામે લૂંટનો કેસ નોંધવામાં આવે અને સોનાના સિક્કા પાછા આપવામાં આવે.
પોલીસ અધિક્ષક હંસરાજ સિંહે કહ્યું કે, અલીરાજપુરના પૂર્વ ધારાસભ્ય એ કહ્યું છે કે જો મંગળવાર સુધીમાં ચારેય પોલીસકર્મીઓની ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસ અધિક્ષક હંસરાજ સિંહે કહ્યું કે, પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવશે. એસપીએ જણાવ્યું કે, ફરિયાદી એક સિક્કો પોલીસની પાસે લઈને આવ્યા હતા, જેનું વજન 7.98 ગ્રામ હતું. આ બ્રિટિશકાળ (1922)નો 90 ટકા શુદ્ધ સોનાનો સિક્કો હતો.
તેઓએ કહ્યું કે, આ કેસની તપાસ કરવા માટે એક ટીમને ગુજરાત મોકલવામાં આવશે, જે જગ્યાએ ખોદકામ કરતી વખતે આ સોનાના સિક્કા મળી આવ્યા હતા, તે જગ્યાએ તપાસ કરવામાં આવશે.