ગોધરામાં એપેક્ષ લેબોરેટરી દ્વારા રિપોર્ટના ભાવ વધારે લેતાં સામાજીક કાર્યકર દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત

Apex Laboratory

ગોધરા,
કોરોના મહામારીમાં સંક્રમણના કેસ વધતા કોરોના ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ભાવ નિયત કરવામાં આવ્યા છે. પંચમહાલ જીલ્લામાં પણ કોરોનાકાળમાં પ્રજાને તકલીફ ન પડે તે માટે તમામ લેબોરેટરી ટેસ્ટીંગ ભાવ નકકી કરેલ છે. તેના અમલવારી ગોધરાની એપેક્ષ લેબોરેટરી દ્વારા કરવામાં આવતો નથી. શહેરની અન્ય લેબોરેટરીમાં સરકાર દ્વારા નકકી કરેલ ફી લેવામાં આવે છે. જ્યારે એપેક્ષ લેબ સંચાલક તબીબો દ્વારા મનમાન્યા ભાવ વસુલવામાં આવતા હોય જેને લઈ શહેરના સામાજીક કાર્યકર દ્વારા આરોગ્ય મંત્રીને આ ખાનગી લેબ વિરૂદ્ધ કાર્યવાહી માટે લેખિતમાં રજુઆત કરાઈ છે.

કોરોના મહામારીમાં કોરોના સંક્રમણના ભરડામાં રાજ્યના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો સપડાતા રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટીંંગ માટે દર્દીઓની લુંટ ન કરવામાં આવે તેવા હેતુસર કોરોના ટેસ્ટીંગ માટેના ખાનગી લેબોરેટરીના ભાવ નિયત કરવામાં આવ્યા છે અને તમામ જીલ્લામાં તેની અમલવારી થાય તે માટે જીલ્લા કલેકટરને આદેશ આપવામાં આવ્યા હોય ત્યારે પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા પણ જીલ્લા અને ગોધરા શહેરના ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટીંગના સરકાર દ્વારા નકકી કરીને સુચવેલ ફી લેવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા. તેની અમલવારી જીલ્લા અને ગોધરાની મોટાભાગની ખાનગી લેબોરેટરીના સંચાલકો દ્વારા કરવામાં આવે છે અને સરકાર દ્વારા નિયત કરેલ કોરોના ટેસ્ટીંગ રીપોર્ટ માટે ફી લેવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ ગોધરા નગર પાલિકા રોડ ઉપર આવેલ એપેક્ષ લેબોરેટરીના સંચાલક ર્ડાકટર દ્વારા સરકાર નિયત કરવામાં આવેલ કોરોના ટેસ્ટીંગ માટેની ફી કરતાં વધારે ફી વસુલવામાં આવી રહ્યો છે. ગોધરામાં અન્ય લેબોરેટરી અને એપેક્ષ લેબોરેટરીના ભાવનો તફાવત દેખીને શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા લોકો અસંમજસમાં મુકાઈ રહ્યા છે. ગોધરાની એપેક્ષ લેબોરેટરી દ્વારા કોરોના ટેસ્ટીંગ રીપોર્ટ માટે વસુલવામાં આવતાં ભાવને લઈ ગોધરાના સામાજીક કાર્યકર સંજયભાઈ ટહેલ્યાણી દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિતમાં રજુઆત કરાઈ છે અને કોરોનાકાળમાં લુંટ ચલાવતી એપેક્ષ લેબ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે.