બાલાસિનોર, મહિસાગરની ગ્રામ પંચાયતોમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક જ તલાટી એક સ્થળે ફરજ બજાવી રહ્યા છે. તેમજ બે તેથી વધુ ગ્રામ પંચાયતોમાં એક જ તલાટીનો ચાર્જ હોવાથી અરજદારોને ધકકા ખાવા પડી રહ્યા છે. તલાટીઓ એક ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તથા તલાટીઓએ માંગેલ બદલીઓને લઈને મહિસાગર જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓની બદલીનો ગંજીફો ચીપ્યો છે.જિલ્લાના 35 જેટલા તલાટીઓની બદલીઓ થતાં પંચાયત આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી સરળતા માટે જિલ્લાના 6 તાલુકામાંથી 35 જેટલા તલાટીઓની સેજાફેર અને તાલુકા ફેરબદલી કરવામાં આવી છે. જેમાં 35માંથી 32 તલાટીઓની વહીવટી બદલી અને 3 તલાટીઓની સ્વવિનંતી બદલી કરી છે. ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ એક તલાટીઓને 5 ગ્રામ પંચાયતોનો ચાર્જ આપ્યો છે. ત્યારે અનેક પંચાયત ચાર્જમાં ચાલતી નજરે પડે છે. જેમાં અનેક તલાટીઓ ગમનો સેજો મળ્યો ત્યારે અનેકમાં કચવાટ હતો.