મલેકપુર, મહિસાગર જિલ્લામાં ઉપરી અધિકારીની પરવાનગી વગર ગેરહાજર રહેનાર પોલીસ કોન્સ્ટેબલને ચીફ જયુડિ.મેજી.એ ત્રણ માસ કેદની સજા ફટકારતા અનિયમિત અને બેદરકાર પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાવવા પામ્યો હતો.
મહિસાગર પોલીસ હેડકવાર્ટર લુણાવાડામાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આરોપી દિલીપસિંહ રણજીતસિંહ ચોૈહાણ(રહે.અંબિકા સોસાયટી, વિરપુર,જિ.મહિસાગર)ફરજ દરમિયાન 17 માર્ચ 2016ના રોજથી મનસ્વીપણે ઉપરી અધિકારીની કોઈપણ પ્રકારની રજા લીધા વિના કે જાણ કર્યા વગર ગેરહાજર રહેતા નોટિસો આપી સમજ કરવા છતાં ફરજ ઉપર હાજર નહિ થઈ ગેરહાજર રહી ગેરવર્તણુંક કરી ગુનો કર્યો હતો. તે અંગેની ફરિયાદ ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ નોંધવામાં આવી હતી. આ ગુનાની તપાસ કરનાર અમલદારને આરોપી વિરુદ્ધ પુરતા પુરાવાઓ જણાઈ આવતા આરોપી વિરુદ્ધ મહિસાગર ચીફ જયુડિ.કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ વાય.એસ.ગોસાઈની દલીલો સાંભળી મહિસાગર ચીફ જયુડિ.મેજી.પી.સી.સોનીએ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી હતી.