મલેકપુર, મહિસાગર જિલ્લામાં ખાતરના વેપારીઓ દ્વારા ખેડુતોને ખાતરની સાથે નેનો યુરિયાની બોટલ ફરજીયાત લેવા જણાવતા ગરીબ ખેડુતોની હાલત કફોડી બની છે.
મહિસાગર જિલ્લામાં ખાતરનુ વેચાણ કરતા ખાતર ડેપો પર યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ખેડુતોને ફરજીયાત આપવામાં આવે છે. જેને લઈને ખેડુતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ખેડુતો ખાતરની સાથે નેનો યુરિયાની બોટલ ન લે તો યુરિયા ખાતરનો ભાવ વધુ આપવો પડશે તેમ વેપારી દ્વારા જણાવાતુ હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે. જિલ્લાના સંતરામપુર તાલુકાના નસીકપુર ગામના એગ્રો વિતરક વિરુદ્ધ એક ખેડુતે ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરતા ખેતીવાડી અધિકારીએ આ બાબતે ખાતર વિતરકને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. મહિસાગ જિલ્લામાં પ્રારંભિક સારા વરસાદ બાદ ખેડુતોએ વાવણી કરી હતી. ત્યારબાદ ખાતરની અછત સર્જાતા માંડ માંડ યુરિયા ખાતર મળતુ હતુ. તેમજ યુરિયા ખાતર સાથે ફરજીયાત નેનો યુરિયાની બોટલ લેવાનુ કહેતા ગરીબ ખેડુતોને પડતા પર પાટા જેવો ધાટ સર્જાયો છે.