ગાંધીનગર : ગાંધીનગરના રાયસણની વિનાયક સ્કાય ડેક નામની સ્કીમમાં આવેલા મિત્રના ઘરે ગયેલા યુવાનનો ૧૨માં માળેથી લપસતા તે નીચે પટકાયો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે આ યુવાનનું મોત નિપજ્યું હતું. આ યુવાન સિવિલ સહિત સરકારી કચેરીઓમાં મેન પાવર સપ્લાય કરતી રાજદીપ એન્ટરપ્રાઇઝના માલિકનો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઇન્ફોસિટી પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આશાસ્પદ યુવાનના મોતથી શોકની લાગણી ફેલાઇ છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે,સેક્ટર-૭માં રહેતો ૨૬ વષય યુવાન રાજ પ્રવિણભાઇ ચૌધરી રાયસણમાં આવેલી વિનાયક સ્કાય ડેક નામની સોસાયટીમાં રહેતા તેના મિત્રના ઘરે રવિવારે ગયો હતો.સોસાયટીમાં તેના મિત્ર અર્જુનસિંહ સરવૈયા અને દિવ્યરાજસિંહ ચૌહાણ ૧૨મા માળે આવેલા પેન્ટહાઉસમાં બેઠા હતા. તે સમયે રાજ ચૌધરી સહિતના મિત્રો નીચે ઉતરતા હતા. તે વખતે અચાનક રાજનો પગ લપસી ગયો હતો અને સીધો જ તે ડકની જગ્યામા પટકાયો હતો.જે દરમ્યાન મોટો અવાજ આવતા સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા.
શરીરે ગંભીરરીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે આ બનાવને પગલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિવિલ સહિત સરકારી કચેરીઓમાં મેન પાવર સપ્લાયની એજન્સી ધરાવતા રાજદીપ એન્ટરપ્રાઇઝના માલીકના દિકરાના મોતથી પરિવાર સહિત સિવિલ હોસ્પિટલ અને અન્ય કચેરીઓમાં પણ આઘાત સહિત શોકની લાગણી ફેલાઇ છે.