મુનપુર કોલેજમાં “વિશ્ર્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી

તા.21/08/2023 ને સોમવારે અત્રેની કોલેજમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્ર્નરની કચેરી, ગાંધીનગરની સૂચના તથા કોલેજના સન્ આચાર્ય ડો. એમ. કે. મહેતા ની પ્રેરણા અને માર્ગદર્શનથી “સ્વદેશી જાગરણ મંચ” અંતર્ગત “વિશ્ર્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. પરેશ પારેખે શિવવંદના કરીને મંગલચરણ કર્યું. ત્યારબાદ કોલેજના આચાર્ય આદરણીય ડો. એમ. કે. મહેતાએ અત્રેની કોલેજમાં અભ્યાસ કરીને જેઓએ નાના મોટા ઉદ્યોગની શરૂઆત કરી છે, તેવા કુલ પાંચ ઉદ્યોગ સાહસિકોને આવકારીને કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી. આ તબક્કેે જણાવ્યું કે, સાહસ એ ઉદ્યોગ ધંધા માટેની અનિવાર્ય શરત છે. ”સાહસે ખલુ શ્રી વસતી ”? નો સંદર્ભ જુદા જુદા સફળ બિઝનેસમેનના દૃષ્ટાન્ત રજૂ કરીને આપ્યો. સાથે સાથે આદરણીય આચાર્ય ડો. એમ.કે.મહેતા અને કોલેજના અન્ય અધ્યાપકઓ દ્વારા આ કોલેજના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલા અને ઉદ્યોગ-ધંધાક્ષેત્રે નામના પ્રાપ્ત કરીને કોલેજનું અને વિસ્તારનું ગૌરવ વધારવા બદલ સન્માન કરવામાં આવ્યું.

ત્યારબાદ દીવડા કોલેજના જ પૂર્વ વિદ્યાર્થી એવા શૈલેન્દ્રસિંહ પ્રવીણસિંહ પુવારે (જેઓ Hero Moto Corporation Limitedનો શો રૂમ ધરાવે છે) પોતાની સફળતાની સફરના અવનવા આયામો રજૂ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી. એક નાની પણ મક્કમ શરૂઆત તમને ક્યાં સુધી લઈ જાય છે, એનું તેઓ પોતે ઉદાહરણ બન્યા.

ત્યારબાદ મુનપુર કોલેજના અન્ય પૂર્વ વિદ્યાર્થી અને મુનપુર ગામના જ વતની એવા વિમલભાઈ ઠાકરે કે જેઓ જીત નમકીન ફરસાણ નામનો લઘુઉદ્યોગ ચલાવે છે અને અન્યોને પણ રોજગારીની તકો પૂરી પાડે છે. પોતાની સફળતા પાછળની સાહસકથાઓ અને પ્રસંગો અંગે વાત કરી. તેઓએ કહ્યું કે, સાહસ વગર કઈ જ પરિણામ સુધી પહોંચી શકાતું નથી. ત્યારબાદ કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને કડાણા ડેમ ખાતે પોતાનો હોટલ બિઝનેસ ચલાવતા મહાલે પરેશકુમાર નારાયણભાઈએ પોતે કેવી રીતે અને કેવા કેવા સંઘર્ષોમાંથી પસાર થઈને આ મુકામ સુધી પહોંચ્યા છે, એ અંગેની પ્રેરણાદાયી ઘટનાઓ રજૂ કરીને સૌ વિદ્યાર્થીઓને માત્ર નોકરી ઉપર જ નિર્ભર ન રહેતા નાના-નાના ધંધા કે ઉદ્યોગો કરવા માટે માર્ગદર્શન પૂરૂં પાડ્યું.

આ ઉપરાંત કોલેજના એક અન્ય પૂર્વ વિદ્યાર્થી કે જેઓએ ફોટોગ્રાફી ક્ષેત્રે ખૂબ જ નામના મેળવીને અન્યને પણ રોજગારીની તકો ઉભી કરી છે, એવા શૈલેષભાઈ નાનાભાઈ ડામોરે વિદ્યાર્થીઓને પોતાની 30 રૂપિયાથી શરૂ કરીને વાર્ષિક 8 લાખ સુધી પહોંચેલી યાત્રાની સફળતા અંગેની સહજ વાતો અને વિડિઓ પણ રજૂ કર્યા હતા.

આ ઉપરાંત વાગડિયા પ્રભાતભાઈ ખાતરાભાઈ કે જેઓ B.A.B.Ed., M.Ed.. ડીગ્રી અને ઝઅઝ જેવી પરીક્ષા પાસ કરીને શાળામાં નોકરીની સાથે સાથે અવકાશના સમયે પોતે કરી કરી રહેલા ઓનલાઈન બિઝનેસ અંગે સૌને માર્ગદર્શન પૂરૂં પાડ્યું.

આ કાર્યક્રમના અંતે કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક લક્ષ્મીબેન વસાવાએ સન્માનિત એવા પાંચેય ઉદ્યોગ સાહસિકોને અત્રે ઉપસ્થિત રહેવા બદળ ધન્યવાદ જ્ઞાપિત કર્યો. આ કાર્યક્રમનું સુંદર સંચાલન અને સંકલન કોલેજના હિન્દી વિભાગના અધ્યાપક ડો. નીતાબેન જોષીએ કર્યું.