શહેરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા રાજકીય દબાણને લઈને પોલીસ મથક ખાતે ખોટી ફરિયાદ નોંધાતી હોવાનો આક્ષેપ કરતી રજૂઆત પ્રાંત અધિકારીને કરાઈ

શહેરા,શહેરા તાલુકામાં આદિવાસી સમાજ સાથે પોલીસ દ્વારા અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને ન્યાય માટે અરજ કરવામાં આવી હતી. રાજકીય દબાણથી ખોટી ફરિયાદ કરાયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

શહેરા તાલુકાના બામરોલી ગામના જૂની વસાહત નિશાળ ફળિયામાં રહેતા નિલેશ ડાહ્યાભાઈ પરમારે 16મી ઓગસ્ટના રોજ પોલીસ મથકે બામરોલી ગામના પ્રવિણ નાગજીભાઈ પારગી, પંકજભાઈ ગેંદાલભાઈ ડામોર અને મુકેશભાઈ શંકરભાઈ ડામોરે મારમારી હાથમાં ફ્રેક્ચર કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેઓએ ખોટી ફરિયાદ થઈ હોવાનું જણાવ્યું હતું અને અન્યાયની લાગણી અનુભવતા મંગળવારના રોજ આદિવાસી સમાજ દ્વારા શહેરા પ્રાંત અધિકારી એન.કે.પ્રજાપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જે આવેદનપત્રમાં જણાવાયું છે કે, 16મી ઓગસ્ટના રોજ નિલેશ ડાહ્યાભાઈ પરમાર પોતાની મોટરસાઈકલ લઈ ડામોર વાલાભાઈ હીરાભાઈના ખેતરની નજીક રસ્તા પરથી બાજુમાં આવેલી ગટરમાં પડેલા હતા અને નશો કરેલી હાલતમાં હતા અને ગટરમાં પડી જવાથી તેમને ઈજા થઈ હતી અને માનવતાના ધોરણે ખેતરમાલિકના પુત્ર ડામોર ધર્મેન્દ્ર વાલાભાઈએ સવારના 11વાગ્યે ગટર માંથી કાઢી નરસાણા ગામે આવેલા હાડવૈદ્ય પાસે લઈ ગયા હતા. જ્યાં તેઓને હાથે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન કરતા ત્યાંથી શહેરા શિફા જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને સારવાર કરાવી હતી. તેમ છતાં રાજકીય દબાણને લઈ ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ મથકે નિલેશભાઈ પરમાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે તદ્દન ખોટી હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે જ પોલીસ દ્વારા આદિવાસી સમાજ પર ખોટા અત્યાચાર થઈ રહ્યા હોવાના અને ખોટી ફરિયાદો નોંધાતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે કે જો કોઈ આદિવાસીના લોકો ફરિયાદ કરવા માટે આવે તો વિલંબથી લેવામાં આવે છે તો આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે ખોટી ફરિયાદ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે આદિવાસી સમાજની આવેદનપત્રમાં માંગ કરાઈ છે.

શહેરા તાલુકાના બામરોલી ગામ ખાતે રહેતા આદિવાસી સમાજના વડીલો અને યુવાનો દ્વારા પ્રાંત અધિકારી એન.કે. પ્રજાપતીને પ્રવીણ પારગી સહિત અન્ય બે સામે પોલીસ મથક ખાતે ખોટી ફરિયાદ થઈ છે. પોલીસ મથક ખાતે અનેક વખત રાજકીય દબાણના કારણે ફરિયાદ નોંધાતી હોય અને નિર્દોષ વ્યક્તિઓ સામે ખોટી ફરિયાદ થતી હોય ત્યારે લોકોમાં આના કારણે નારાજગી ઊભી થઈ રહી છે. આ સામે યોગ્ય તપાસ કરવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી.