ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે એક મહિનામાં 11 અકસ્માતોના બનાવો

ઝાલોદ, ઝાલોદ પાલિકા સંવેદનશીલ પાલિકા તરીકે ઓળખાય છે. આ પાલિકામાં છેલ્લા કેટલાય વર્ષથી વહીવટ ખાડે ગયેલા જોવા મળી રહ્યો છે. ગામના આગેવાનો દ્વારા અનેકવાર લેખિત-મોૈખિક રજુઆતો કરવા છતાં પણ પાલિકા દ્વારા રોડ-રસ્તા જેવી ભોૈતિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ જોવા મળી છે. નગરમાં ધણા વિસ્તારમાં રસ્તાઓની હાલત ખરાબ અવસ્થામાં છે. જેમાં મુખ્ય પ્રભુતા પાર્ટી પ્લોટ પાસેના બંને તરફના જાહેર રસ્તા પર મસમોટા ખાડા પડી જવાથી પાલિકા દ્વારા તેને રિપેર કરવાની જગ્યાએ માટી અને મેટલ નાંખવામાં આવ્યા છે. જેના કારણે દરરોજના અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં 11 જેટલા નાના-મોટા અકસ્માતોના બનાવો બનવા પામ્યા છે. છતાં પણ પાલિકાના પેટનુ પાણી હાલતુ નથી. માટી મેટલના કારણે નગરજનોને અનેક પ્રકારની સમસ્યાઓ ભોગવવી પડી રહી છે. પ્રભુતા પાર્ટી પ્લોટ પાસેના રસ્તાના કારણે નગરજનોને શારીરિક જાનહાનિ થઈ રહી હોવા છતાં પણ પાલિકા કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી છે. ગામના વરીષ્ઠ આગેવાનો દ્વારા પણ વહીવટદાર અને ચીફ ઓફિસરને અનેકવાર રજુઆત કરવા છતાં પણ રોડ રસ્તાની મરામત કરવામાં ન આવતા ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો.