ગાંધીનગરમાં ઘરફોડ, કેબલ અને વાહનચોરી કરતી ગેંગનો પર્દાફાશ:૭ સાગરીત પકડાયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ઘણા સમયથી ઘરફોડ ચોરીની સાથે કેબલ તથા વાહનચોરી વધી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે માણસા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં થયેલી ૫૦ જેટલી ચોરીનો ભેદ ઉકેલીને ગેંગના સાત સાગરીતો ઝડપી લીધા છે અને તેમની પાસેથી ૧૮.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે. ગાંધીનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ આ ટોળકીએ ગુનાઓને અંજામ આપ્યો હતો.

પાટનગર હોવા છતા ગાંધીનગરમાં ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટી દ્વારા પોલીસ ટીમોને એલર્ટ રહીને આ પ્રકારના ગુના ઉકેલવા માટે તાકિદ કરવામાં આવી હતી જેના અનુસંધાને ગાંધીનગર એલસીબીની બન્ને ટીમો કામે લાગી હતી. જેના પગલે પોલીસ ટીમે તપાસ કરતા માણસામાં મોબાઇલની દૂકાનમાંથી ૧૮.૭ લાખની ચોરીની ઘટનામાં કોઇ સ્થાનિક ગેંગનો હાથ હોવાની શંકા રાખી હતી અને જે મામલે એક પછી એક એમ સાત આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં દિલીપજી ઉર્ફે દિલો બળદેવજી ઠાકોર રહે.પેથાપુર, ગોવિંદજી પ્રતાપજી ઠાકોર રહે. માણેકપુર-માણસા, વિનોદજી ઉર્ફે ઉદો ભવાનજી ઠાકોર રહે. પિંડારડા, વિશાલ ઉર્ફે કાળો જયતિજી ઠાકોર માણેકપુર-માણસા, પારસ ગોવિંદભાઇ ચાવડા રહે.સે-૨૮,અભિષેક ઉર્ફે અભિ રાજેશભાઇ જૈન રહે.શાહપુર અમદાવાદ અને પરેશ ડાહ્યાભાઇ ઠાકોર રહે. માણેકપુરનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓએ ભેગા મળીને માણસાની મોબાઇલની દૂકાનમાં બાકોરૃ પાડીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો તો આ ટોળકીએ ભેગા મળીને ૫૦થી વધુ ઘરફોડ અને કેબલચોરીના ગુના પણ આચર્યા હતા. જેમની પાસેથી મોબાઇલ, વાહનો સહિત ૧૮.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગાંધીનગર ઉપરાંત અન્ય જિલ્લઓમાં પણ આ ટોળકીએ રાત્રીના સમયે ખેતરમાં બોરકુવા પરથી ચોરી કર્યાની કબુલાત કરી હતી.