અમેરિકામાં માનવ તસ્કરીના આરોપમાં ૫ ભારતીયોની ધરપકડ

જલંધર, અમેરિકામાં માનવ તસ્કરી અને બાળકોના યૌન શોષણના આરોપમાં ૨૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ૨૩ લોકોમાં ૫ ભારતીય નાગરિકો પણ સામેલ છે. હકીક્તમાં, યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ, હોમલેન્ડ સિક્યુરિટી, એફબીઆઇ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓએ માનવ તસ્કરીને રોકવા માટે અભિયાન ચલાવ્યું છે.

કેલિફોનયાના કેર્ન કાઉન્ટીમાં ચલાવવામાં આવી રહેલા આ અભિયાનને ’ઓપરેશન બેડ બાર્બી’ નામ આપવામાં આવ્યું છે. બીજી તરફ જે ૫ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે તે પંજાબના છે. જેમાં ૩૫ વર્ષીય જસવિંદર સિંહ, ૫૪ વર્ષીય જોગીન્દર સિંહ, ૫૪ વર્ષીય રાજીન્દરપાલ સિંહ, ૩૩ વર્ષીય નિશાન સિંહ અને ૪૪ વર્ષીય કરનૈલ સિંહનો સમાવેશ થાય છે.

પત્રકારોને સંબોધતા, કેર્ન કાઉન્ટીમાં બેર્ક્સફીલ્ડ લો એન્ફોર્સમેન્ટના ડિસ્ટ્રિક્ટ એટર્ની સિન્થિયા ઝિમ્મેરે પત્રકારોને જણાવ્યું હતું કે કેલિફોર્નિયા  ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એન્ટી-ટ્રાફિકિંગ ઓપરેશનને ’ઓપરેશન બેડ બાર્બી’ નામ આપ્યું છે. આ ઓપરેશનના ભાગરૂપે પકડાયેલા મોટાભાગના યુવાનો કેર્ન કાઉન્ટીના છે.

ડિસ્ટ્રિક્ટ એટર્ની સિન્થિયા ઝિમ્મરે જણાવ્યું હતું કે તેણીને માનવ તસ્કરી ઉપરાંત બાળ જાતીય શોષણના કેસ મળ્યા છે. બાળકો પાસે કેટલીક વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી. જેના આધારે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મામલો મોટો થતાં તમામ એજન્સીઓએ મળીને ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ૩ પીડિતોને પણ બચાવી લેવાયા છે.