હસમુખ પટેલને ભરતી બોર્ડની જવાબદારી સોંપાઇ; ટૂંક સમયમાં પોલીસ ભરતી આવી શકે છે

અમદાવાદ: ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતી જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને પોલીસ ભરતી બોર્ડની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને ભરતી બોર્ડની જવાબદારી સોંપાઇ છે. એડિશનલ ડીજીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે DIG પરીક્ષિતા રાઠોડ પણ ભરતી વિભાગના DIG તરીકે સેવા આપશે. હાલ પરીક્ષિતા રાઠોડ સીઆઇડી ક્રાઇમના DIG છે.

ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી આવી રહી છે. તેના ભાગરૂપે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.

છેલ્લે તલાટી, એલઆરડીની લીધેલી પરીક્ષાઓમાં હસમુખ પટેલે નિભાવેલી જવાબદારીથી પેપર ફૂટવાની ઘટના પર બ્રેક લાગી છે. હસમુખ પટેલની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે. તે સિવાય પી.વી રાઠોડનો પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પી.વી રાઠોડ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર પીએસઆઈ અને એલઆરડીની ભરતી જાહેર કરશે તે વાત નક્કી છે. આ મુદ્દે વધુ ખુલાસો આજે બપોરે હસમુખ પટેલ મીડિયા સમક્ષ કરશે. આ મુદ્દે ન્યૂઝ18એ પરિક્ષિતા રાઠોડ અને હસમુખ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવાની પણ કોશિશ કરી હતી. પરંતુ, હાલ આ મુદ્દે તેમણે બોલવાનું ટાળ્યું છે. જોકે, હવે પીએસઆઇ અને કોન્સટેબલની ભરતીનો માર્ગ મોકળો થશે.