ચીની માણસ પાટણ બનાસકાંઠાનાં લોકોને છેતરી ગયો ! ૧૪૦૦ કરોડનું કરી નાખ્યું

લોભ એ બહુ ખરાબ વસ્તુ છે. આ જાણતા હોવા છતાં ઘણા લોકો તેનો શિકાર બને છે. પૈસા એક એવી વસ્તુ છે કે તેની ભૂખનો ફાયદો ઉઠાવીને લોકો ભલભલાને ચૂનો લગાવી જાય છે. ચીનનો એક નાગરિક 1200 ભારતીયોના ખાતામાંથી કુલ મળીને લગભગ 1400 કરોડ રૂપિયા ઉપાડી ભારતમાંથી ફરાર થઈ ગયો છે. ધૂર્ત ચીની નાગરિકે ગુજરાતના અનેક લોકોને સટ્ટાબાજીની એપ દ્વારા લાખો રૂપિયા કમાવવાનું સપનું બતાવ્યું હતું. બે વર્ષ પોતાની જાળ ફેલાવવા તે ભારતમાં રહ્યો હતો.

જેવો સટ્ટાબાજીની એપનો ઉપયોગ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરીને લોકોએ  શરૂ કર્યો કે તરત જ ઠગોએ આ એપ દ્વારા દરેકના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા. આ ચીની વ્યક્તિએ ઘણા લોકો પાસે આ એપ ડાઉનલોડ કરાવી હતી.

ચીની વ્યક્તિએ ભારતીય લોકો સાથે મળીને છેતરપિંડી દ્વારા 15 થી 75 વર્ષની વયના લોકોને નિશાન બનાવ્યા હતા. આ છેતરપિંડી ડેનિડેટા એપ દ્વારા કરવામાં આવી હતી. ચીનના શેનઝેન વિસ્તારના વુ યુઆનબે નામના વ્યક્તિએ ગુજરાતના પાટણ અને બનાસકાંઠા વિસ્તારમાં લોકોને છેતર્યા છે. પોલીસને જૂન 2022 માં છેતરપિંડી વિશે જાણ થઈ અને ત્યારથી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

પોલીસને શંકા છે કે ચાઈનીઝ વ્યક્તિ એપ દ્વારા દરરોજ લગભગ 200 કરોડ રૂપિયાની ચોરી કરતો હતો. આ ચક્ર અચાનક બંધ થતાં પહેલાં 9 દિવસ સુધી ચાલુ રહ્યું હતુ. અત્યાર સુધીમાં 1200 લોકો સાથે 1400 કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચીની નાગરિક 2020 થી 2022 વચ્ચે ભારતમાં હતો. તેણે પાટણ અને બનાસકાંઠામાં સમય પણ વિતાવ્યો હતો, જ્યાં તે ઘણા સ્થાનિક લોકોને મળ્યો અને વધુ પૈસા કમાવવાની લાલચ આપી હતી. તેણે અને ગુજરાતમાં તેના ભાગીદારોએ મે 2022માં એપ લોન્ચ કરી હતી અને લોકોને દાવ લગાવવા માટે પ્રોત્સાહિત કરવા સાથે સારા વળતરનું વચન આપ્યું હતું.

પોલીસે નકલી કંપનીઓ બનાવી હવાલા નેટવર્ક દ્વારા નાણાં એકત્ર કરવામાં ચીનના એક વ્યક્તિને મદદ કરનાર નવ લોકોની ધરપકડ કરી છે. પરંતુ ગુજરાત પોલીસે ઓગસ્ટ 2022 માં કાર્યવાહી શરૂ કરી ત્યાં સુધીમાં તો, છેતરપિંડી કરનાર ચીની વ્યક્તિ ચીન પાછો જતો રહ્યો હતો. પોલીસ પાસે તેની સામે પૂરતા પુરાવા નથી અને તેથી જ અત્યાર સુધી પોલીસે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી નથી.