અક્ષય કુમારે ફી લીધા વગર ઓએમજી ૨માં કામ કર્યું

અક્ષય કુમાર યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓહ માય ગોડ 2ને રિલીઝના પહેલા વીકમાં 80 કરોડથી વધુનું કલેક્શન મળ્યું છે. આગામી વીકમાં રૂ.100 કરોડના આંકને પાર કરવાનું આ ફિલ્મ માટે અઘરું નથી. આ સાથે 100 કરોડની ક્લબમાં અક્ષય કુમારની 17મી ફિલ્મને સ્થાન મળશે. ફિલ્મના પ્રોડ્યુસર અજિત અંધારેએ જણાવ્યું હતું કે, અક્ષય કુમારે એક પણ રૂપિયાની ફી લીધા વગર OMG 2માં કામ કર્યું હતું.  

ઓહ માય ગોડ 2નું બજેટ રૂ.150 કરોડ આસપાસ હોવાનું કહેવાય છે. આ અંગે વાયાકોમ 18ના સીઓઓ અજિત અંધારેએ જણાવ્યું હતું કે, બજેટની રકમને ખૂબ વધારીને ચર્ચાઓ થઈ રહી છે. હકીકતમાં અક્ષય કુમારે આ ફિલ્મ માટે એક પણ રૂપિયાની ફી લીધી હતી. આવી સાહસિક ફિલ્મ બનાવવામાં ફાઈનાન્શિયલ અને ક્રિએટિવ રિસ્ક હોવા છતાં અક્ષય કુમાર સાથે રહ્યા છે. અગાઉ અક્ષય કુમાર સાથે સ્પેશિયલ 26, OMG 2, ટોઈલેટઃએક પ્રેમ કથા જેવી ફિલ્મો કરી છે. બિનપરંપરાગત સ્ક્રિપ્ટ કરવામાં અમે અક્ષયની સાથે જ રહ્યા છીએ. વ્યાપક સમાજને સ્પર્શતી અને સાર્થક ફિલ્મો બનાવવાનું અક્ષયને ગમે છે. અક્ષયના ક્રીએટિવ અને ફાઈનાન્શિયલ સપોર્ટ વગર આવું જોખમ લેવાનું શક્ય ન હતું.  ફિલ્મના પ્રોડ્યુસર્સ તરફથી બજેટ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. હકીકતમાં ફિલ્મનું બજેટ રૂ.150 કરોડ કરતાં ઘણું ઓછું હોવાનો દાવો થઈ રહ્યો છે. આ અંગે સૂત્રોનું માનવું છે કે, OMG 2 માટે રૂ.50 કરોડ જેટલો જ ખર્ચ થયો હશે. 2012માં આવેલી ઓહ માય ગોડ પાછળ રૂ.25 કરોડનો જ ખર્ચ થયો હતો. સર્ટિફિકેશન વિવાદ અને પ્રમોશન માટે ઓછો સમય હોવા છતાં આ ફિલ્મે બજેટ કરતાં વધુ આવક મેળવી લીધી છે. ફિલ્મને મળેલી આ સફળતાથી અક્ષય કુમાર પણ ખૂબ ખુશ છે. અક્ષયે અગાઉ ફિલ્મની સફળતાને સેલિબ્રેટ કરતાં એક્ઝિબિટર્સ માટે પાર્ટી રાખી હતી. હવે અક્ષયે પરિપક્વતા દર્શાવતાં ગદર 2 અને ઓહ માય ગોડ 2ની સફળતાને આવકારી છે. અક્ષયે સોશિયલ મીડિયા પર સાંકેતિક પોસ્ટ મૂકી હતી. જેમાં ઓહ માય ગદર જણાવ્યું હતું. અક્ષયે આ પોસ્ટ દ્વારા બંને ફિલ્મોને થીયેટર પર મળેલા રિસ્પોન્સ અંગે વાત કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી એકજૂથ હોવાનો દાવો કર્યો હતો.