શોએબ અખ્તર (Shoaib Akhtar) તેની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો હતો, પરંતુ નિવૃત્તિ બાદ તે પોતાના નિવેદનોને કારણે ખૂબ જ લોકપ્રિય રહે છે. શોએબ અખ્તર ઘણીવાર એવી વાતો કહે છે જેના પર કોઈને કોઈ વિવાદ (Controversy) થાય છે અને આ વખતે પણ આ પૂર્વ ક્રિકેટરે એવું જ કર્યું છે.
શોએબ અખ્તરે એવું નિવેદન આપ્યું છે જે બાદ પાકિસ્તાનમાં ભારે હંગામો મચી શકે છે. શોએબ અખ્તરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનના ખેલાડીઓ ભારતના પૈસા પર જીવે છે. શોએબ અખ્તરે કહ્યું કે પાકિસ્તાન (Pakistan)ના ડોમેસ્ટિક ક્રિકેટરોને ભારતના પૈસાથી જ ફી મળે છે.
શોએબ અખ્તરે વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજુમદાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, વિશ્વ ક્રિકેટમાં BCCI કેટલી શક્તિશાળી છે. શોએબ સંમત થયો છે કે BCCIના પૈસા ICCને જાય છે અને ICC તે પૈસા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોકલે છે. તેના આધારે પાકિસ્તાનના ખેલાડીઓને ફી મળે છે.
શોએબ અખ્તરે કહ્યું કે વર્લ્ડ કપ 2023 સુપરહિટ થવાનો છે. અખ્તરે આગાહી કરી હતી કે BCCI આ વર્લ્ડ કપમાંથી ઘણી કમાણી કરશે. આ સાથે BCCIની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં યોજાશે અને તે 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટક્કર 14 ઓક્ટોબરે થશે. જો બંને ટીમો સેમિફાઈનલ કે ફાઈનલમાં પહોંચે છે તો ત્યાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે.
શોએબ અખ્તરે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન મેચમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા પર દબાણ રહેશે. અખ્તરે કહ્યું કે મીડિયાના કારણે આ દબાણ સર્જાય છે. ટીમ ઈન્ડિયાની જીત માટે સતત દાવા કરવામાં આવે છે. સ્ટેડિયમો પણ ફેન્સથી ભરચક હોય છે. જેનો પાકિસ્તાનને ફાયદો થશે, કારણ કે પાકિસ્તાન આપમેળે ડાર્ક હોર્સ બની જાય છે અને તે તેમના ખેલાડીઓને મુક્તપણે રમવામાં મદદ મળે છે.