અમીષા પટેલ તેની રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર 2’ની સફળતાની ઉજવણીમાં વ્યસ્ત છે અને તો બીજી તરફ તેની આગામી ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. અમીષા પટેલની આ ફિલ્મનું નામ ‘મિસ્ટ્રી ઓફ ધ ટેટૂ’ છે, જેમાં અર્જુન રામપાલ, ડેઝી શાહ, રોહિત રાજ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે, જેની વાર્તા ટેટૂ સાથે જોડાયેલી છે.
કલૈયારસી સથપ્પને ‘મિસ્ટ્રી ઓફ ધ ટેટૂ’ સાથે બોલિવૂડમાં નિર્દેશનની શરૂઆત કરી છે. ટ્રેલરની શરૂઆત પોલીસ તપાસથી થાય છે, ત્યારબાદ શરીર પર એક ટેટૂ દેખાય છે. ડેઝી શાહ કંઈક સત્યની શોધમાં હોય તેવું લાગે છે અને પોલીસને જાણ કરે છે કે ટૂંક સમયમાં બીજી હત્યા થવાની છે. કેટલાક કોર્ટ કેસના દ્રશ્યો છે અને ડેઝી શાહ ઇન્ટરનેટ પર તે ઝલક જોઈને ચોંકી જાય છે.
આ પછી અમીષા પટેલનો એક સીન છે અને તેને પૂછવામાં આવે છે કે તમે તમારી કારકિર્દીની શરૂઆત ક્યાંથી કરી? તે જવાબ આપે છે કે ટેટૂ આર્ટથી. આ પછી અર્જુન રામપાલ ટેટૂ બનાવતો જોવા મળે છે. આ લુકમાં અર્જુન ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છે. જો કે ટ્રેલર જોઈને તમારી શંકાની સોય અર્જુન પર પણ જઈ શકે છે, પરંતુ સ્ટોરીમાં સત્ય શું છે તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
કલૈયારસી સથપ્પન દ્વારા નિર્દેશિત આ ફિલ્મને અનુશ્રી શાહ, ગજીનાથ જયકુમાર અને કશિશ ખાને મળીને ‘મિસ્ટ્રી ઓફ ટેટૂ’ તરીકે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ ‘મિસ્ટ્રી ઓફ ધ ટેટૂ’માં માયરા સરીન, મનોજ જોશી, અરુણ કપૂર, ટોમ હેન્ડ્રીક્સ, સાયરા પંધલ અને સુકી ચોટે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ 1 સપ્ટેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.