દાહોદ જીલ્લાના લીમખેડા બેન્ક ઓફ ઈન્ડિયા બ્રાંચના મેનેજરનુ ખાતેદાર સાથે ઉદ્ધતાઈભર્યા વર્તનથી ખાતેદારોમાં રોષ

  • મેનેજરની દાદાગીરીનો અનેક ખાતેદારો બન્યા છે શિકાર:મેનેજર સામે સખ્ત પગલાં ભરવા ઉઠી લોકમાંગ.

દાહોદ, લીમખેડાના ઝાલોદ રોડ ખાતે આવેલ બેન્ક ઓફ ઈન્ડિયામા છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી લાલીયાવાડી ચાલી રહી છે,લીમખેડા બ્રાન્ચના મેનેજરના ઉદ્ધતાઈભર્યા વર્તનથી ગ્રાહકો ત્રાસી ગયા છે. બેન્કમાં આવતા કાયદાથી અજાણ લોકો સામે બેફામ વાણીવિલાસ કરી અન્ય ગ્રાહકોને ઈરાદાપૂર્વક પરેશાન કરવામા આવી રહ્યા હોવાની ચર્ચાઓનો મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે, જ્યાં જુઓ ત્યા ફક્ત બેન્ક ઓફ ઈન્ડીયાના મેનેજરની તાનાશાહીની ચર્ચાઓ જ ચાલી રહી છે. ત્યારે આજે લીમખેડા નગરના એક જાગૃત ખાતેદાર દ્વારા પોતાના ખાતા માંથી 436 રૂપિયા કપાઈ જતા આ બાબતે મેનેજરને પુછપરછ કરવા જતા મેનેજર દ્વારા ખાતેદારને કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામા આવેલ નહી, ગ્રાહક પોતાના ખાતા માંથી કરાયેલ 436 રૂપીયા માટે છેલ્લા દોઢ મહિનાથી હેરાન પરેશાન થઈ રહ્યો છે, પરંતુ બેન્ક ઓફ ઈન્ડીયાના મેનેજર બેન્કને પોતાની ખાનગી પેઢી સમજી બેઠા હોય તેવો વ્યવહાર ખાતેદારો સાથે કરી રહ્યા છે. દરરોજના અનેક ખાતેદારો સાથે આ બેન્ક મેનેજર દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામા આવી રહ્યુ હોવાની અનેક ફરિયાદો લોક મુખે ઉઠી રહી છે. ત્યારે લીમખેડાની બેંક ઓફ ઈન્ડિયાના બ્રાંચ મેનેજરના વર્તન અને કસ્ટમરોને થતી રોજિંદી હાલાકીના કારણે પ્રજામાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. સરકારી યોજનાઓ સંદર્ભે બેંકની કાર્યવાહી અને ગ્રાહકોની સેવાઓ ખોરવીને ખાતેદારોને ઈરાદપૂર્વક હેરાન પરેશાન કરવા આવું કરી રહ્યા હોવાનો આક્ષેપ મેનેજર સામે થઈ રહ્યા છે. લીમખેડાની બેંક ઓફ ઈન્ડિયાના વિવાદાસ્પદ મેનેજર મારફતે તાલુકાભરના ખાતાધારકો, તેમજ આગેવાનો સાથે તોછડા અને ઉદ્ધત વર્તન રોજિંદા કરવામાં આવી રહેલ હોવાથી ઉગ્ર રોષની લાગણી જન્મી છે. ઉચ્ચ અધિકારી દ્વારા તેમની સામે પગલા લેવાય તેવી વ્યાપક લોક માંગ ઉઠવા પામેલ છે. મેનેજર દ્વારા લોકોના કામ કરવાના બદલે બહાનું ધરી નાટકીય સમય લગાડતા હોય સાથે લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કરી રહેલ હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવશે તો પણ ખરી અને વાસ્તવિક હકીકતો બહાર આવશે તેમ લોકો જણાવી રહ્યા છે. ઉચ્ચ અધિકારી દ્વારા તાકીદે પગલાં લઈને તેમના વર્તન પર અંકુશ લાવવામાં નહીં આવે તો ખાતેદારો જનતાને સાથે રાખી આ ઉદ્ધત મેનેજર વિરૂદ્ધ જન આંદોલન કરવામાં આવનાર હોવાની ચિમકી લોકો ઉચ્ચારી રહ્યા છે. ત્યારે આ મામલે બેંક મેનેજર દ્વારા દૂર વ્યવહારનો ભોગ બનેલા ખાતેદારે ફોર બેંક તેમજ આરબીઆઈ માં લેખિતમાં ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.