ભરૂચના હાંસોટમાં બે કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા એક જ પરિવારના ૫નાં કરૂણ મોત, બાળકનો ચમત્કારિક બચાવ

ભરૂચ: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે આજનો દિવસ ખરેખર ગુજરાત માટે ભારે રહ્યો છે. ભરૂચના હાંસોટ તાલુકામાં બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર મહિલા અને એક પુરુષ સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છ, જ્યારે એક બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોને હાંસોટ કાકાબા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, ભરૂચના હાંસોટ તાલુકાનો માર્ગ આજે લોહિયાળ બન્યો છે. જેમાં હાંસોટ પંથકના અલવા ગામે બે કાર વચ્ચે થયેલા ધડાકાભેર અકસ્માતમાં પાંચ લોકોને કાળ ભરખી જતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. અકસ્માતમાં કારના કુરચેકુરચા ઉડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે.

હ્યુન્ડાઈ વેન્યુ કાર રજિસ્ટર નંબર GJ. 16. DG. 8381 અને  GJ.06.FQ.7311 નંબરની હ્યુન્ડાઈ વર્ના કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ ઘટનામાં ચાર મહિલા અને એક પુરુષના મોતને પગલે સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે આ અકસ્માત દરમિયાન કારમાં સવાર એક બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. 

વાયુવેગે આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યા બાદ આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેને લઈને સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા. બીજી બાજુ અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.