બોટાદના ધારાશાસ્ત્રી સાથે ’કિરણ સ્ટાઈલ’થી રૂા.૧ કરોડની ઠગાઈ

રાજકોટ: કયારેક CMO તો કયારેક PMO ના અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને છેતરપીંડી કરવાના સતત વધતા જતા કેસોમાં હવે ગુજરાત સચિવાલયમાં નોકરી કરતા ચિરાગ પંડયા નામના એક કલાર્ક કે ડ્રાઈવર કક્ષાના કર્મચારીએ બોટાદના એક ધારાશાસ્ત્રીના પુત્રને અમદાવાદની મેડીકલ કોલેજમાં એડમીશન અપાવવાના અને ધારાશાસ્ત્રીની પુત્રીને UPSC પરીક્ષા પાસ કરાવીને સારુ પોષ્ટીંગ અપાવી દેવાની લાલચ આપીને રૂા.1 કરોડથી વધુની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ અમદાવાદ પોલીસમાં નોંધાવી છે.

ચિરાગ પંડયા અને તેની પત્ની નયના પંડયા બન્ને સાથે મળીને આ રીતે ઠગાઈ કરી હતી. ચિરાગ પોતે ગાંધીનગરમાં સચીવાલયમાં નોકરી કરતો હોવાથી તેને ટોચના અધિકારીઓ તથા અનેક નેતાઓ-મંત્રીઓ સાથે ઓળખ હોવાનું જણાવીને બોટાદના આ ધારાશાસ્ત્રીને વિશ્વાસમાં લઈ લીધા હતા. જો કે ચિરાગ હાલ સચીવાલયમાં નોકરી કરે છે કે કેમ તે પણ પ્રશ્ન છે અને તે એક સમયે હાલ કેન્દ્રીય મંત્રી રહેલા ભાજપના એક સીનીયર નેતાને ગાંધીનગરમાં આવે ત્યારે તેની કાર પણ પોતે ડ્રાઈવ કરતો હોવાનો દાવો કર્યો હતો.

બોટાદના ધારાશાસ્ત્રી મુકેશ જોશીના પુત્રી નાન્સી અને ચિરાગ તથા તેના પત્ની 2018/19માં સંપર્કમાં આવ્યા હતા. ચિરાગે તે સમયે પોતાની ઉંચી ઓળખાણ અંગે વાત કરી હતી તથા ગત વર્ષે ધારાશાસ્ત્રીના પુત્ર દેવ જોષીએ મેડીકલ એડમીશન માટેની ‘નીટ’ની પરીક્ષા પાસ કરી હતી પણ મેરીટમાં તેના ક્રમ નીચો હોવાથી તેને મેડીકલ કોલેજમાં એડમીશન મળ્યું ન હતું તે સમયે ચિરાગ પંડયાનો સંપર્ક કરતા તેણે અમદાવાદની મેડીકલ કોલેજમાં એડમીશન અપાવી દેવા માટે રૂા.67.50 લાખ લીધા હતા.

એટલું જ નહી આ ધારાશાસ્ત્રીના પુત્રી નાન્સી જે યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા તેમાં પરીક્ષામાં પાસ કરાવી દેવા તથા સારૂ પોષ્ટીંગ અપાવી દેવાની ઓફર કરીને વધુ રૂા.45 લાખ પડાવ્યા હતા એટલું જ નહી બોટાદમાં જમીનનો એક પ્લોટ પણ ચિરાગના નામે ટ્રાન્સફર કરી આપ્યો હતો. સપ્ટેમ્બર 2022થી જૂન 2023 વચ્ચે આ તમામ વ્યવહાર થયા હતા.

આ માટે ધારાશાસ્ત્રીએ બેન્ક લોન તથા પરિચીતો તથા સગાઓ પાસેથી નાણા ઉછીના લીધા હતા અને તેની ખેતીની જમીન પણ ગીરવે મુકીને રૂા.60 લાખ મેળવ્યા હતા. ચિરાગ અવારનવાર તેના પર વિશ્વાસ બેસે તેથી ઓનલાઈન ફોર્મ ભરાવવા તો કયારેક કોઈ અજાણ્યાને સાથે લાવી તેને મોટાસાહેબના પી.એ. ગણાવવા સુધીની હરકત કરીને પોતે આ બધુ કરી શકે છે તેમ દર્શાવતો હતો પણ બાદ કોઈ ‘કામ’ ન હતા અને ચિરાગ પણ ગલ્લાતલ્લા કરવા લાગતા ધારાશાસ્ત્રીને શંકા ગઈ હતી અને અંતે પોતે છેતરાયાની જાણ થતા જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.