રણબીર કપૂર મારી લિપસ્ટિક ભૂંસાવી નાખે છે: આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન થયા ત્યારે તેમને પરફેક્ટ કપલ માનવામાં આવતા હતા. જો કે પાછલા કેટલાક સમયથી રણબીર અને આલિયા વચ્ચે ખટરાગ હોવાનું કહેવાય છે. સેલિબ્રિટી કપલના જીવનમાં ‘ઓલ ઈઝ વેલ’ નહીં હોવાનો દાવો કંગના રણોતે પણ કર્યો છે. આલિયા ભટ્ટે તાજેતરમાં કરેલા ખુલાસા બાદ તેમનું અંગત જીવન ફરી ચર્ચામાં આવ્યું છે. 

આલિયા ભટ્ટે ફેશન મેગેઝિન સાથે પોતાનો બ્યૂટી રૂટિન વીડિયો શેર કર્યો હતો. આલિયાએ તેમાં પોતાના રૂટિન મુજબ લિપસ્ટિક લગાવી હતી અને બાદમાં તેને આછી કરી દીધી હતી. આલિયાએ વીડિયોમાં જણાવ્યુ હતું કે, લિપસ્ટિક લગાવ્યા પછી હું તેને ભૂંસી નાખું છે. કારણ કે મારા પતિ જ્યારે મારા બોયફ્રેન્ડ હતા ત્યારથી જ મારી પાસે લિપસ્ટિક ભૂંસાવી દેતા હતા. અમે જ્યારે પણ બહાર જતા ત્યારે તેમને લાગતું કે મારા હોઠનો નેચરલ કલર વધારે સારો છે.  

આલિયાની આ પોસ્ટને હજારો લાઈક્સ મળ્યા હતા અને લાખો લોકોએ તેનો વીડિયો જોયો હતો. જો કે રણબીર કપૂરને આલિયાના આ ખુલાસાએ ટ્રોલર્સના નિશાના પર લાવી દીધો હતો. રણબીરને કંટ્રોલિંગ હસબન્ડ ગણાવીને ઘણાં લોકોએ આલિયાને હજુ સાવચેત રહેવા કહ્યું હતું. આલિયા જેવી સેલિબ્રિટીઝ પણ પતિની જોહુકમીથી પીડાતી હોવાનું ઘણાંને લાગ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે જણાવ્યું હતું કે રણબીર વિષે જેટલું જાણતા જઈએ છીએ, તેટલી બીક લાગે છે. બોયફ્રેન્ડ અથવા પતિ લિપસ્ટિક ભૂંસી નાખવા કહેતા હોય તો તમારે નાસી છૂટવું જોઈએ તેવી સલાહ પણ ઘણાંએ આપી હતી. આલિયા ભટ્ટે આ પ્રકારની કોમેન્ટ્સનો કોઈ જવાબ આપ્યો નથી. જો કે આલિયાની આ પોસ્ટ બાદ સેલિબ્રિટી કલપ ફરી ચર્ચામાં આવી ગયું છે. આલિયાએ કદાચ ચર્ચામાં રહેવા માટે જ આ નુસખો અજમાવ્યો હોવાનું પણ કેટલાક લોકો માની રહ્યા છે.