દ્વાપર કાળથી અસ્તિત્વમાં આવેલું દેવધરી મહાદેવ મંદિર,દાહોદ નજીક અફાટ વનરાજી તેમજ ડુંગરાળ વિસ્તારમાં આવેલું દેવધરી મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં દૂર દૂરથી દર્શનાર્થે આવે છે

  • મંદિર નજીક દ્વાપર કાલથી અવિરત વહેતી જલધારા એટલે ભીમ દ્વારા નિર્મિત કરેલું ભીમકુંડ.
  • મંદિરમાં મહાદેવની સાથે બિરાજીત બે નંદી નો રેલવે સાથે જોડાયેલો નાતો.

દાહોદ, દાહોદ શહેરથી 10 કિલો મીટર દૂર જેકોટ ખાતે રેલ્વે પ્રીમાઇસીસથી અડીને આવેલા દેવઝરી મહાદેવ મંદિર જેને જલાધારી મહાદેવ મંદિરના નામથી પણ ઓળખાય છે. આ મંદિરનો સંબંધ દ્વાપર કાળથી જોડાયેલો છે. એક વાયકા પ્રમાણે પાંડવો અજ્ઞાત વાસ દરમિયાન પ્રાચીન સમયમાં હીડમ્બા વન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં રોકાણ કર્યું હતું. પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ આ વિસ્તારમાં પાંડવોએ એક સમય પસાર કર્યો હતો અને જેમાં પાંડવો ભગવાનની પૂજા કરી ભોજન પ્રસાદી લેવાની ટેવ ધરાવતા હોવાથી આ સ્થળે શિવલિંગનું સ્થાપના કરી હતી. એટલુંજ નહિ પાંડવોએ જે સમયે રોકાણ કર્યું હતું એ સમયે અકાળ પડ્યું હતું અને ભીમને તરસ લાગતા ભીમે પોતાના જમણાં પગના અંગુઠાથી ઠેસ મારી એક જળધારા ઉત્પન્ન કરી હતી. જે આજે ભીમ કુંડથી પ્રખ્યાત છે. દ્રાપર કાળથી અસ્તિત્વમાં આવેલા આ ભીમ કુંડની ધોધ સ્વરૂપે વહેતી જલધારા આજે પણ યથાવત છે. આ પાણી ક્યાંથી આવે છે ? તે એક રહસ્ય છે એટલું જ નહિ અહીંના સ્થાનિકોએ જે જગ્યાએ જલધારા પડે છે, તે કુંડની ઊંડાઈ માપવાનો પ્રયાસ કર્યો પરંતુ આજદિન સુધી તે કેટલો ઊંડો છે, તે માપી શકાયું નથી. દ્રાપર કાળથી સંબંધ ધરાવતા આ દેવઝરી મહાદેવ મંદિરમાં મહાદેવની સાથે બે નંદી બિરાજમાન છે. તે સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. તેની પણ એક વાયકા છે, જે લોક મુખે ચર્ચાઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 1882માં બ્રિટિશના જમાનામાં આ જગ્યાએ દિલ્હી-મુંબઈ રેલ માર્ગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં એંગ્રેજો દ્વારા આ સ્થળથી તદ્દન નજીક પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જેમાં દિવસ દરમિયાન જેટલું પુલનું કામ થતું તે રાતભરમાં પડી જતું હતું. તે સમયે રેલ્વેના ઇન્જીનીયરો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા અને એક ઇન્જીનીયરને એક રાત્રે સપનું આવ્યું અને આ સ્થળે આવી મંદિરમાં એક નંદીને પ્રસ્થાપિત કરી નદીનું પુલનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું અને તે નિર્વિઘ્ને પૂર્ણ થતા અને બીજા નંદીને બિરાજીત કરી બીજી લાઈનનું પુલ બનાવવામાં આવ્યું અને આમ નિર્વિઘ્ને બન્ને પુલ બની ગયા હતા અને આમ મહાદેવની સાથે બે નંદીના બિરાજમાન હોવાની કહાની રેલ્વે સાથે જોડાયેલી હોવાનું અહીંના સ્થાનિકો અને મંદિરના પૂજારી જણાવે છે. કુદરતી સૌંદર્ય અને સંપદાથી પરિપૂર્ણ ભીમ કુંડમાંથી અવિરત પણે વહેતી જલધારા એ નદીનું સ્વરૂપ લીધું છે. જે અહીંના સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે. પૌરાણિક કાળથી મહત્વ ધરાવતા આ દેવઝરી મંદિર દાહોદ જિલ્લો જ નહિ પરંતુ આસપાસના રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોમાં પણ પ્રખ્યાત છે. અહીંયા લોકો દૂર દૂરથી તેમાંય ખાસ શ્રાવણ માસમાં દૂર દૂરથી આવે છે અને પાંડવોના દ્વારા નિર્મિત કરેલા મહાદેવની પૂજા કરી ધન્યતા અનુભવે છે.