ગોધરાના સ્ટેશન રોડ પર જૈન દેરાસરની બાજુમાં ખુલ્લેઆમ માંસાહાર પીરસતી હોટલ રેસ્ટોરેન્ટ બંધ કરવાની માંગ કરતું કલેક્ટરને આવેદનપત્ર

  • નિયમીત આવતાંં સમાજના અનુયાયીઓમાં માંસાહારને લઈને ભારે નારાજગી.
  • જીવપ્રેમી અને દયાભાવ ધરાવતા સમાજના ધાર્મીક મંદિર પાસે ખુલ્લેઆમ સામગ્રી વેચાણ સાથે ફેંકવામાં આવતાં દુભાતી લાગણી.
  • અવારનવાર હોટલ બંધ કરવાની માંગ છતાં તંત્ર દ્વારા મૌનને લઈને અનેક તર્કવિર્તકો.
  • કલેકટરને આવેદનપત્ર આપવા સાથે ગૃહમંત્રીને કરવામાં આવેલી ઉગ્ર રજુઆત.

ગોધરા, ગોધરા શહેરના સ્ટેશન રોડ પર આવેલ જીવ પ્રેમી અને સર્વ જીવો પ્રત્યે દયાભાવ ધરાવતા દિગંબર જૈન મંદિર દેરાસરની બાજુમાં ખુલ્લે આમ, હોટલ રેસ્ટોરેન્ટ ખોલીને માંસાહારી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવામાંં આવતાં જૈન સમાજની લાગણી દુભાઈ રહી છે. અવારનવાર માંસાહારી રેસ્ટોરનટ બંધ કરવાની માંગ કરવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા નાછુટકે જૈન સમાજ દ્વારા ગૃહમંત્રીને પત્ર પાઠવવા સાથે મોટી સંખ્યામાં પહોંંચેલા આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ભારે નારાજગી વ્યકત કરવામાં આવી છે.

ભારતમાં વસ્તીની દ્રષ્ટીએ લધુમતી સમુદાયમાં જૈન સમાજની ગણતરી કરવામાં આવે છે. વર્ષોથી જૈન સમાજ જીવપ્રેમી અને સર્વે જીવોપ્રત્યે દયાભાવના ધરાવે છે. અને શાંતિપૂર્ણ ગુજરાન વિતાવાની સાથે જૈન દેરાસરમાં નિયમીત આરાધના કરવામાં આવે છે. ત્યારે ગોધરા શહેરના સ્ટેશન રોડ પર આવેલ શ્રી મહાવીર દિગંબર જૈન મંદિર દેરાસર અત્યંંત ભરચક અને વાહનોની અવરજવરથી વિસ્તાર ધરાવે છે. અહી આસપાસના વિસ્તાર માંથી વસવાટ કરતાં જૈન સમુદાય નિયમીતપણે દેરાસરમાં આવીને આરાધના સાથે ધાર્મીક પ્રવૃતિ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક માંસાહારી ખાદ્ય બનાવટો તૈયાર કરતી હોટલ રેસ્ટોરન્ટ ઉભી કરવામાંં આવતાં જીવદયા ધરાવતા જૈન સમાજની લાગણી દુભાતા નારાજગી અનુભવાઈ રહી છે. આ માંસાહારી ચીજવસ્તુઓ વેચાણ કરતી રેસ્ટોરન્ટ બંંધ કરવાની સમાજના અગ્રણીઓની માંગણી હોવા છતાં હજુસુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાંં છુપો રોષ વ્યાપ્યો છે. કેટલોક સમય વિતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાંં છેવટે નારાજ બનેલા શ્રી મહાવીર દિગંબર જૈન મંદિર દેરાસર તેરાપંથી આમનાથ ટ્રસ્ટના આગેવાનો ગુરૂવારના રોજ કલેકટર કચેરીએ પહોંંચ્યા હતા. તેઓની સાથે સમાજના અન્ય અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. માંંસાહારી ચીજવસ્તુઓ વેચાણ કરતી હોટલ વિરૂદ્ધ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમારા સમાજનું વર્ષો જુનું દિગંબર જૈન મંદિર દેરાસર ગોધરા શહેરી વિસ્તારમાં સ્ટેશન રોડ સ્થિત આવેલું છે. જ્યાં અમારી ધાર્મિક રીતી-રીવાજો અને પરંપરાઓ મુજબ આરાધના કરીએ છીએ, અમારો જૈન ધર્મ જીવપ્રેમી અને સર્વે જીવો પ્રત્યે દયા ભાવના સાથે રહેતો સમાજ છે અને અમે શહેરનો શાંતિપ્રિય સદભાવના અને સર્વ ધર્મને માન સન્માન આપીએ છીએ અને આ અમારા જૈન દેરાસરને અડીને હોટલ અને રેસ્ટોરેન્ટ અને ગેસ્ટ હાઉસ કે જ્યાં માંસાહારી વસ્તુ બનાવી તેમનું વેચાણ કરવામાં આવે છે અને ત્યાં મુસ્લિમ સમાજ બહોળા પ્રમાણમાં આવતો હોય અને માંસાહાર ખાઈ તેનો કચરો દેરાસરની બહાર ફેંકતા હોય તેથી અમારા સમાજની લાગણી દુભાઈ રહી છે. વધુમાં આવેદનપત્રમાં તંત્રને તાકીદ કરતા ઉમેરવામાં આવ્યું હતુંં કે, અમારા સમાજ તરફથી કોઈપણ બીજા ધર્મના લોકોની આસ્થા કે લાગણી દુભાય તેવું કાર્ય અમો શાંતિપ્રિય જૈન સમાજ ધ્વારા કરવામાં આવતું ન હોવા છતાં અમારા આરાધનાના સ્થાનની બાજુમાં મુસ્લિમ સમાજના માથાભારે તત્વોએ છે કે, જે ગોધરા શહેરનું વાતવરણ ડહોળવા માંગતા હોય તેવા લોકો દ્વારા અમારા દેરાસરને અડીને માંસાહારી હોટેલ શરૂ કરવામાં આવી છે. જેને લઇને અમારા સમાજની લાગણી દુભાય છે. જેને લઇને તાત્કાલિક માંસાહારી હોટેલ બંધ કરાવવા માટે જૈન સમાજની લાગણી છે, તેવો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અત્રે નોંંધનીય છેકે, આ રેસ્ટોરન્ટની જગ્યાની માલિકી તથા તંત્ર તરફથી આપવામાં આવેલ પરવાનગી બાબતે પણ સમાજના ઉપસ્થિત આગેવાનોએ પ્રશ્ર્નાર્થ કરીને તપાસની માંગ કરતા પણ સાંભળ્યા હતા. હવે જોવું રહયુંં કે, કલેકટર અને ગૃહમંત્રી સુધી રજુઆત કર્યા બાદ હવે ભાજપા શાસીત નગર પાલિકા એકશનમાં આવીને તપાસ હાથ ધરે છે કે, કેમ તે તેવા પ્રજામાં પ્રશ્નાર્થ સેવાઈ રહ્યા છે.