ઈસ્લામાબાદ, છાશવારે પાકિસ્તાનમાં આતંકી હુમલા કરનાર ટીટીપીએ પાકિસ્તાન માટે જ એવુ નિવેદન આપ્યુ છે કે, તેના કારણે પાકિસ્તાનના લોકો પણ આશ્ર્ચર્યમાં છે. પાકિસ્તાનના આઝાદી દિવસ ૧૪ ઓગસ્ટે તહેરિક એ તાલિબાને કહ્યુ હતુ કે, પાકિસ્તાન આઝાદી મળી તેનો ફાયદો ઉઠાવી શક્યુ નથી. આર્થિક સંકટ, ગરીબી, હિંસા, કરપ્શન અને ઈસ્લામિક સિસ્ટમના અભાવના કારણે દેશમાં શાંતિ અને સમૃદ્ધિ નથી. હાલમાં દેશમાં જે સંકટ ચાલી રહ્યુ છે તેના માટે પાકિસ્તાન આર્મી અને દેશનો એલાઈટ ક્લાસ પણ જવાબદાર છે. તેમના કારણે ૭૬ વર્ષમાં પાકિસ્તાન કરશુ કરી શકયુ નથી. અમે બહુ જલ્દી પાકિસ્તાનમાં શરિયા કાનૂન લાગુ કરીને દેશને અસલી આઝાદી અપાવીશું.
તહેરિક એ તાલિબાને આગળ કહ્યુ હતુ કે, આઝાદીના ૭૬ વર્ષ બાદ પણ પાકિસ્તાન એક આત્મ નિર્ભર દેશ બની શક્યો નથી. બીજી તરફ ભારત આજે દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી ઈકોનોમી બની ચુકયુ છે. બંને દેશો એક સાથે આઝાદ થયા હતા પણ પાકિસ્તાન કરતા ભારત આગળ નીકળી ગયુ છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૭માં અફઘાનિસ્તાના તાલિબાનથી અલગ થઈને તહેરિક એ તાલિબાનની સ્થાપના થઈ હતી. એ પછી આ સંગઠન પાકિસ્તાનમાં છાશવારે આતંકી હુમલા કરી રહ્યુ છે. તે પાકિસ્તાનમાં ઈસ્લામિક કાયદા લાગુ કરવા માંગે છે અને કેટલાક મોટા આતંકીઓને છોડવા માટે પણ દબાણ કરી રહ્યુ છે.