નવીદિલ્હી, મોદી સરકારના નેતૃત્વ હેઠળ વધુ એક નવું નામકરણ થયું છે, સામાન્ય રીતે શહેરોના નામ બદલવામાં આવતા હતા, જે સૌ કોઈ જાણે છે. પણ એક મ્યુઝીયમનું નામ બદલાવવામાં આવતા કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ કરી દેવામાં આવ્યું છે, જેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે.
કોંગ્રેસના નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કહ્યું કે, અફસોસની વાત છે કે વસ્તુઓ આ હદે આવી ગઈ છે. તેમણે કહ્યું કે, વિશાળ બહુમતી ધરાવતી પાર્ટી તરફથી આવી ક્ષુદ્રતા દુર્ભાગ્યપૂર્ણ છે.
શશિ થરૂરે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ’અફસોસની વાત છે કે હવે હદ આવી ગયું છે. મને લાગે છે કે અન્ય વડાપ્રધાનોને સમાવવા માટે બિલ્ડિંગ (તીન મૂર્તિ ભવન)નું વિસ્તરણ કરવાનો વિચાર એક અસાધારણ વિચાર છે, પરંતુ આ પ્રક્રિયામાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરનાર દેશના પ્રથમ વડાપ્રધાન આઝાદી પછી દેશના વડાપ્રધાન બન્યા અને સૌથી લાંબો સમય આ પદ સંભાળનાર વડા પ્રધાનનું નામ હટાવવું એ તુચ્છતા છે.
થરૂરે આગળ કહ્યું, તમે તેને નેહરુ મેમોરિયલ પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ કહી શક્યા હોત. આ છીછરાપણું દુર્ભાગ્યપૂર્ણ છે અને તે આપણા પોતાના ઐતિહાસિક ભૂતકાળ પ્રત્યે કડવાશ દર્શાવે છે. હું માનું છું કે તે આવી સરકારને અનુકૂળ નથી.
નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવાનો નિર્ણય ૧૫ જૂન ૨૦૨૩ના રોજ લેવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય સત્તાવાર રીતે ૧૪ ઓગસ્ટે આપવામાં આવ્યો હતો. પીએમ મ્યુઝિયમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ઉપાધ્યક્ષ એ સૂર્ય પ્રકાશે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
સમાજના લોકશાહીકરણ અને વૈવિધ્યકરણ ને અનુરૂપ, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી હવે ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ થી વડાપ્રધાન સંગ્રહાલય અને પુસ્તકાલય સોસાયટી છે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ માહિતી આપી છે.
નવી દિલ્હી સ્થાન તીન મૂર્તિ ભવન એ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન હતું. તેઓ મૃત્યુ સુધી આ ઘરમાં જ રહ્યા. પાછળથી તેમની યાદમાં આ સંકુલ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીમાં ફેરવાઈ ગયું.
વર્ષ ૨૦૧૬ માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવો વિચાર રજૂ કર્યો હતો કે તીન મૂર્તિ સંકુલની અંદર ભારતના તમામ વડા પ્રધાનોને સમર્પિત એક સંગ્રહાલય હોવું જોઈએ, જેને નેહરુ મેમોરિયલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. મ્યુઝિયમ તૈયાર થયા પછી, તે એપ્રિલ ૨૦૨૨ માં લોકો માટે ખોલવામાં આવ્યું હતું. જેમાં દેશના તમામ વડાપ્રધાનો સાથે જોડાયેલી માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. હવે તેનું નામ બદલી દેવામાં આવ્યું છે.