પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) તેના 15 ખેલાડીઓને મુખ્ય નિયમનો ભંગ કરવા બદલ નોટિસ મોકલી છે. વાસ્તવમાં આ પાકિસ્તાની ખેલાડીઓએ PCBની NOC લીધા વિના અમેરિકા (USA)માં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અહેવાલો અનુસાર, પાકિસ્તાન (Pakistan)ના ઘણા ખેલાડીઓ હાલમાં અમેરિકામાં રમી રહ્યા છે કારણ કે તેમને ત્યાં સારા પૈસા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં PCBનું ધ્યાન આ તરફ ગયું છે અને હવે તેમણે 15 ખેલાડીઓને નોટિસ મોકલી છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનના આ 15 ખેલાડીઓ NOC લીધા વિના અમેરિકા રમવા ગયા છે. PCBના નિયમો અનુસાર, કોઈપણ ખેલાડીને વિદેશી લીગ અથવા ટૂર્નામેન્ટમાં રમવા માટે પહેલા તેના દેશના ક્રિકેટ બોર્ડની પરવાનગી લેવી પડે છે. જો બોર્ડ ઇનકાર કરે છે, તો તે ખેલાડી બહાર જઈ શકશે નહીં. પરંતુ પાકિસ્તાનના 15 ખેલાડીઓએ આ નિયમ તોડ્યો છે.
ક્રિકેટ પાકિસ્તાનના અહેવાલ મુજબ પાકિસ્તાનના 15 ખેલાડીઓ હ્યુસ્ટન ઓપન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયા છે. આ ખેલાડીઓમાં સોહેબ મકસૂદ, અરશદ ઈકબાલ, આરીશ અલી, હુસૈન તલત, અલી શફીક, ઈમાદ બટ્ટ, ઉસ્માન શેનવારી, ઉમેદ આસિફ, જીશાન અશરફ, સૈફ બદર, મુખ્તાર અહેમદ અને નૌમાન અનવરનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ તાજેતરમાં માઈનોર લીગમાં પણ રમ્યા હતા અને તેઓએ પણ PCBની પરવાનગી લીધી ન હતી. આ લીગમાં સલમાન અરશદ, મુસાદીક અહેમદ, ઈમરાન ખાન જુનિયર, અલી નાસિર અને હુસૈન તલાતે ભાગ લીધો હતો.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ઘરેલુ ખેલાડીઓને બહુ ઓછા પૈસા મળે છે. પાકિસ્તાનમાં, ડોમેસ્ટિક ક્રિકેટની A+ શ્રેણીના ખેલાડીઓને મહિને 85,000 રૂપિયા મળે છે. જ્યારે D કેટેગરીના ખેલાડીને 42 હજાર રૂપિયા મળે છે. આ જ કારણ છે કે તેમના ખેલાડીઓ વિદેશમાં નાની ટુર્નામેન્ટ રમી રહ્યા છે.