જયપુર, કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પિતા રાજેશ પાયલટ વિશે કરાયેલી ટ્વીટ પર ભાજપ આઇટી સેલના વડા અમિત માલવિયા પર નિશાન સાધ્યું છે. અમિત માલવિયાએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે રાજેશ પાયલટે ભારતીય વાયુસેનાના પાયલટ તરીકે માર્ચ ૧૯૬૬માં મિઝોરમમાં બોમ્બ ફેંક્યા હતા. આના પર સચિન પાયલટે કહ્યું કે તમારા તથ્યો અને તારીખો બંને ખોટા છે, કારણ કે તેઓ ભારતીય વાયુસેનામાં ઓક્ટોબર મહિનામાં ૧૯૬૬માં સામેલ થયા હતા.
અમિત માલવિયાએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે ’રાજેશ પાયલટ અને સુરેશ કલમાડી ૫ માર્ચ ૧૯૬૬ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોમ્બ ફેંકનારા ભારતીય વાયુસેનાના વિમાનો ઉડાવી રહ્યા હતા. બાદમાં બંને કોંગ્રેસની ટિકિટ પર સાંસદ અને સરકારમાં પ્રધાન બન્યા. તે સ્પષ્ટ છે કે ઈંદિરા ગાંધીએ ઉત્તર પૂર્વમાં આપણા જ લોકો પર હવાઈ હુમલા કરનારાઓને રાજકારણમાં સ્થાન આપ્યું, તેમનું સન્માન કર્યું.’
અમિત માલવિયા પર પ્રહાર કરતા સચિન પાયલટે કહ્યું, તમારા તથ્યો અને તારીખો બંને ખોટા છે. હા. ભારતીય વાયુસેનાના પાયલટ તરીકે મારા પિતાએ બોમ્બ ફેંક્યા હતા. પરંતુ તેમણે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તત્કાલિન પૂર્વ પાકિસ્તાન પર બોમ્બ ફેંક્યા હતા, નહિ કે ૫ માર્ચ ૧૯૬૬ના રોજ મિઝોરમ પર. તેઓ ૨૯ ઓક્ટોબર ૧૯૬૬ના રોજ તેઓ એરફોર્સમાં સામેલ થયા હતા.
સચિન પાયલટે કહ્યું કે હા, ૮૦ના દાયકામાં એક રાજકારણી તરીકે, તેમણે મિઝોરમમાં યુદ્ધવિરામ અને કાયમી શાંતિ સંધિ સ્થાપિત કરવામાં ચોક્કસપણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સાથે સચિન પાયલટે ટ્વિટર પર પિતા રાજેશ પાયલટનું એરફોર્સમાં કમિશન થવાનું પ્રમાણપત્ર પણ શેર કર્યું.