ખેડાના મહેમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેદાવાદમાં તોસીફખાન પઠાણ નામના યુવકના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિણીતાએ આપાઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે તોસીફખાન પઠાણ ફોન અને મેસેજ કરીને બ્લેકમેલ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તોસીફને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે માહિતી આપતા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઇ રણજિતસિંહ ખાંટે જણાવ્યું કે, ગત 14 ઓગસ્ટે પારુલ ઉર્ફે કાજલ પ્રજાપતિ નામની મહિલાએ આપાઘાત કર્યો હતો. મૃતક મહિલાના મૃતદેહ પાસેથી પોલીસને તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મૃતક મહિલાએ એવું લખેલું છે કે ‘હું તોસીફખાન પઠાણના કારણે આત્મહત્યા કરું છું. તોસીફખાન પઠાણે મારી જિંદગી બરબાર કરી નાખી છે.
મહિલાએ સુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે, ‘તોસીફખાન મને બ્લેકમેલ કરીને રૂપિયા માંગતો હતો. મેં રૂપિયા આપવાનો ઈનકાર કર્યો તો તેણે મને અને મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હું તોસીફખાનના ત્રાસથી કંટાળીને આપઘાત કરું છું. તોસીફ પઠાણનો કેસ બંધ કરશો નહીં, તેને સજા અપાવજો.’
પીઆઇ રણજિતસિંહ ખાંટે જણાવ્યું કે, ત્રણ મહિના અગાઉ મૃતક મહિલાએ પોલીસ સ્ટેશનમાં તોસીફખાન સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તોસીફ પઠાણની અટકાયત કરી હતી અને તે બાદ પણ તોસીફ પઠાણે મહિલાને ત્રાસ આપવાનું ચાલું રાખ્યું હતું. જેથી કંટાળીને આખરે મહિલાએ અંતિમ પગલું ભર્યું હાલ મહેમદાવાદ પોલીસે તોસીફ પઠાણની ધરપકડ કરી છે. તો મહિલાની સુસાઈડ નોટને FSLમાં તપાસ માટે મોકલવામાં આવી છે.