પ્રેમીએ પ્રેમિકાના પતિની કરી હત્યા, મૃતદેહના ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી દીધા

લગ્નેતર સંબંધનો દર્દનાક અંતનો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામમાં ૪૩ વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની ઘાતકીરીતે હત્યા કરવામાં આવી છે. ૩૧ ઓગસ્ટે ગુમ થયેલા લખ્ખુભાઈનો મૃતદેહ ૫ સપ્ટેમ્બરના રોજ ગામના તળાવ નજીકથી બે પ્લાસ્ટિકની થેલીઓમાંથી મળી આવ્યો હતો. તપાસમાં મૃતદેહના ટુકડા હોવાનું સામે આવતા પોલીસે ઓળખ કરી હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતકની પત્ની સાથે કથિત પ્રેમસંબંધ ધરાવતા તેના પાડોશી દિનેશ રાયધણભાઈ ઠાકોર (૩૫)ની ધરપકડ કરી છે. આ આખો કિસ્સો ઘણો જ કંપારી છોડાવી દે તેવો છે.

પોલીસ તપાસ મુજબ, દિનેશને મૃતકની પત્ની સાથે છેલ્લા આશરે દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, લખ્ખુભાઈને આ સંબંધ અંગે શંકા પડી હોવાની આશંકાથી દિનેશે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મૃતદેહને અંજાર સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ અને એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ૩૧ ઓગસ્ટની રાત્રે આશરે ૧૧ વાગ્યાની આસપાસ દિનેશે કોઈ કામની વાત કરવાના બહાને લખ્ખુભાઈને પોતાના ઘરે બોલાવ્યો હતો.

વાતચીત દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થયા બાદ દિનેશે કથિત રીતે લોખંડના સળિયાથી લખ્ખુભાઈના માથાના પાછળના ભાગે વારંવાર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે લખ્ખુભાઈનું મોત થયું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યા બાદ દિનેશે મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મૃતદેહ ભારે હોવાથી તેને એકલા હાથે લઈ જવો મુશ્કેલ પડ્યો હતો. ત્યારબાદ તેણે હેક્સો બ્લેડ સહિતના સાધનોનો ઉપયોગ કરી મૃતદેહના બે ટુકડા કરી નાંખ્યા હતા. આ ટુકડાઓને અલગ-અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરી વરસામેડી બસ સ્ટેન્ડ નજીક આવેલા ગામના તળાવ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા.

હત્યા બાદ તપાસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીએ મૃતકનો મોબાઇલ ફોન પણ અન્ય સ્થળે ફેંકી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મોબાઇલ વરસામેડી હાઇવેની સામેના કાચા રસ્તા નજીક ફેંકવામાં આવ્યો હતો. ૩૧ ઓગસ્ટની રાત્રે લખ્ખુભાઈ ખેતરમાં દેખરેખ માટે ગયા હતા, પરંતુ ઘરે પરત ફર્યા ન હતા. ત્યારબાદ તેમના ભાઈ દેવજીએ ૧ સપ્ટેમ્બરના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્યારથી જ ટેકનિકલ તપાસ અને સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરી હતી.

હત્યા બાદ પાંચમા દિવસે એટલે કે, ૫ સપ્ટેમ્બરની બપોરે પોલીસને વરસામેડી ગામના તળાવ કિનારે બે શંકાસ્પદ થેલીઓ પડેલી હોવાની માહિતી મળી હતી. તપાસ કરતાં બંને થેલીઓમાંથી માનવ શરીરના ટુકડા મળી આવ્યા હતા. બાદમાં આ અવશેષોની ઓળખ ગુમ થયેલા લખ્ખુભાઈ હુંબલ તરીકે થઈ હતી. મૃતદેહના ફોરેન્સિક પરીક્ષણ અને પ્રાથમિક તપાસમાં માથામાં ગંભીર ઈજાના નિશાન મળ્યા હતા. ત્યારબાદ પોલીસની શંકાની દિશા દિનેશ ઠાકોર તરફ ગઈ હતી. પૂછપરછ દરમિયાન કથિત પ્રેમસંબંધ અને હત્યા અંગેની વિગતો સામે આવ્યા બાદ પોલીસે દિનેશની ધરપકડ કરી છે.

હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં, હત્યાનું ચોક્કસ કારણ શું હતું તથા ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સહિતના પુરાવા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં મૃતકની પત્નીને જાણ હતી કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.