
રશિયાના દક્ષિણી પ્રજાસત્તાક દાગેસ્તાનમાં ગેસ સ્ટેશન પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 30 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા. સ્થાનિક અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. દાગેસ્તાનના ગવર્નર સર્ગેઈ મેલિકોવીએ જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટી દ્વારા દેશના આપાતકાલ મંત્રાલયને ટાંકીને બહાર પાડવામાં આવેલા સમાચાર અનુસાર, પ્રદેશની રાજધાની મખચકલાની બહાર સ્થિત એક ગેસ સ્ટેશનમાં સોમવારે રાત્રે વિસ્ફોટ થયો હતો. આગ સૌપ્રથમ કાર રિપેરિંગની દુકાનમાં શરૂ થઈ અને ટૂંક સમયમાં નજીકના ગેસ સ્ટેશનમાં ફેલાઈ ગઈ.
ગેસ સ્ટેશનમાં લાગેલી આગ થોડી જ વારમાં 600 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. કેટલાક ઘાયલોને સારવાર માટે એરલિફ્ટ કરીને મોસ્કો લઈ જવામાં આવશે.
પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ મખાચકલામાં ગ્લોબસ શોપિંગ સેન્ટર પાસે એક કાર સર્વિસ સેન્ટરમાં થયો હતો. પ્રાદેશિક ગવર્નરે મંગળવારે, 15 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે દાગેસ્તાનના દક્ષિણી રશિયન પ્રદેશમાં ગેસ સ્ટેશનમાં આગ ફાટી નીકળી હતી.
દાગેસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની માહિતી અનુસાર, 12.00 (મોસ્કો સમય) સુધીમાં 12 લોકો માર્યા ગયા, 50 ઘાયલ થયા છે. જો કે, બાદમાં મૃતકોની સંખ્યા વધુ વધી જે 25 પર પહોંચી. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. હવે સમાચાર આવી રહ્યા છે કે મૃતકોની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે અને ઘાયલોની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.